ભુજની જનરલ હોસ્પિટલ ખાતેથી ખૂંખાર દોંગા ગોંડલના પૂર્વ ધારાસભ્યની હત્યા માટે ભાગ્યો હતો

ભુજ, તા. 10 : ગુજસીકોટ સહિતના સંખ્યાબદ્ધ ગુનાઓમાં સંડોવાયેલા અને અત્રેની જનરલ હોસ્પિટલમાંથી ફરાર થઇ જઇને સમગ્ર રાજ્યનાં પોલીસદળને દોડતું કરનારા સૌરાષ્ટ્રના કુખ્યાત આરોપી નિખિલ દોંગા અને તેના સાગરીતો સામે પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લા દ્વારા અદાલતમાં આરોપનામું પેશ કરાયું હતું. આ ચાર્જશીટમાં આ નામીચા આરોપીના ભુજની હોસ્પિટલમાંથી ભાગવા પછવાડેનો મકસદ સૌરાષ્ટ્રના ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજાસિંહ જાડેજાની હત્યાનો હોવાનો પોલીસે નિર્દેશ કરતાં આ ચકચારી મામલો વધુ ગંભીર બન્યો છે.નિખિલ દોંગાના ભુજના કેસમાં પકડાયેલા પી.એસ.આઇ. અને  પાંચ સાગરીતો દ્વારા અત્રેની અદાલત સમક્ષ કરાયેલી જામીન અરજી અહીંની અધિક સેશન્સ જજની અદાલતે નામંજૂર એકબાજુ કરી હતી, તો બીજીબાજુ અદાલત સમક્ષ પોલીસે રજૂ કરેલી ચાર્જશીટમાં આ ખૂંખાર આરોપીના ભાગવા પાછળનો હેતુ તપાસનીશ અધિકારીના સોગંદનામાંમાં સ્પષ્ટ કરાતાં આ કિસ્સો પુન: કચ્છ અને સૌરાષ્ટ્રમાં વધુ ચર્ચાસ્પદ બન્યો છે. તપાસનીશ અમલદારના સોગંદનામાંમાં કરાયેલા ઉલ્લેખ મુજબ ભુજની જનરલ હોસ્પિટલ ખાતેથી પહેરેદારોને ફોડી સાગરીતોની મદદથી ભાગેલા નિખિલ દોંગા અને તેની ટોળકીએ ગોંડલના માજી ધારાસભ્ય જયરાજાસિંહ જાડેજાની હત્યા માટેની યોજના બનાવી હતી. આ માટે નાસ્યા બાદ તેઓ કોઇ હરકતને અંજામ આપે તે પહેલાં તેમને નૈનિતાલ ખાતેથી પોલીસ ટુકડી દ્વારા પકડી પડાયા હતા. નિખિલ દોંગા સામે થયેલા ગુજસીકોટના કેસ અને તેના પિતા સામે અગાઉ થયેલા કેસ પછવાડે જયરાજાસિંહ જાડેજાનો હાથ હોવાની શંકા સાથે આ બાબતનો બદલો લેવાના હેતુસર તેમની હત્યા માટેની યોજના ઘડાઇ હોવાનો નિર્દેશ પણ આ સોગંદનામાંમાં અપાયો છે. સાથેસાથે આ નામીચા આરોપીને હોસ્પિટલ ખાતે દાખલ કરવાની ભલામણ, નકલી આધારો બનાવી આપનારા સહિતનાની વિગતો અપાઇ છે. આધારો ઊભા કરી દેનારા બે જણ હજુ હાથમાં ન આવ્યા હોવાની વિગતો પણ આપવામાં આવી છે.  દરમ્યાન, આ બાબતે પોલીસનો સંપર્ક કરતાં સોગંદનામાંમાં ખૂન કરવાની જે યોજનાનો ઉલ્લેખ કરાયો છે તે બાબત કેસમાં લગાડવામાં આવેલી કાવતરાંની કલમ તળે આવી જતી હોવાથી આ બાબતે અલગથી કાયદાકીય કાર્યવાહી કરાઇ નથી.બીજીબાજુ, ભુજના કિસ્સા બાબતે પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને દોંગાના સાગરીતો સહિત છ આરોપીની બીજી વખતની જામીન અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરાઇ હતી. ગુનાની ગંભીરતા અને આરોપીઓના ઇરાદાને કેન્દ્રમાં રાખીને અહીંના ત્રીજા અધિક સેશન્સ જજ દ્વારા આ આદેશ કરાયો હતો. જામીન અરજી જેમની નામંજૂર કરાઇ છે, તે તહોમતદારમાં પી.એસ.આઇ. રમેશ ભારમલ ગાગલ ઉપરાંત સાગરીતો ભરત ઝવેરભાઇ રામાણી, રેનીશ ઉર્ફે લાલજી ડાયાભાઇ માલવિયા, નિકુંજ ઉર્ફે તુલસીભાઇ દોંગા, પાર્થ ઉર્ફે લાલો બિપીનભાઇ ધનાણી, માધાપરના રહેવાસી અને જનરલ હોસ્પિટલના કર્મચારી વિજય વિઠ્ઠલભાઇ સાંઘાણીનો સમાવેશ થાય છે. આ સુનાવણીમાં સરકાર વતી જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કલ્પેશ સી. ગોસ્વામીએ હાજર રહી દલીલો કરતાં જણાવ્યું હતું કે ચાર્જશીટ રજૂ થઇ જવાથી આરોપીઓની ભૂમિકા ઘટતી નથી કે તેમની મદદગારી પણ ઓછી થતી નથી. ગુજસીકોટના આરોપીને મદદ કરવાનો અને તેની પછવાડેનો ગંભીર હેતુ મામલાને વધુ ગંભીર બનાવી જાય છે. તેમણે નિખિલને ભાગવા સમયે આધારો ઊભા કરી દેનારા અને ગાડી પૂરી પાડનારાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તો આરોપી ભાજપના અગ્રણી વિપુલ સંચાણિયાએ નિખિલનો બાયોડીઝલનો પંપ હસ્તગત કરવાની નેમ સાથે મદદગારી કર્યાનું પણ તપાસમાં બહાર આવ્યાનું જણાવ્યું હતું. - પંચાવન પાનાંની ચાર્જશીટમાં તપાસના ત્રણ હજાર કાગળ : 139 સાક્ષી તરીકે : ભુજ, તા. 10 : નિખિલ દોંગા કેસમાં પોલીસે રજૂ કરેલું આરોપનામું 55 પાનાંનું છે અને તેની સાથે તપાસનાં કામે કરાયેલી કાર્યવાહીના ત્રણ હજાર કાગળ સામેલ કરવામાં આવ્યા છે.  ભુજ કોર્ટ સમક્ષ મુકાયેલા આ આરોપનામાંમાં કેસના ફરિયાદી સહિત કુલ 139 સાક્ષીનાં નિવેદનો પણ રજૂ કરવામાં આવ્યાં છે. તો તપાસનીશ અધિકારીનાં સોગંદનામાં સહિત કોલ ડિટેઇલ્સ સહિતના અન્ય આધારો અને પુરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યા છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer