ચોમેર વ્યાપક દોડધામ છતાં ભુજની પોણા છ લાખની લૂંટ હજુ સુરાગથી દૂર

ભુજ, તા. 10 : વ્યાપક પ્રયાસો અને કાયદાના રક્ષકોની ચોમેર અવિરત દોડધામ છતાં આ શહેરમાં ગઇકાલે બનેલા ખાનગી કંપનીના કર્મચારી હિરેન જેમલ પાયણ પાસેથી રૂા. 5.74 લાખની રોકડની લૂંટ થવાના મામલામાં આજે રાત્રિ સુધીમાં કોઇ જ સુરાગ આરોપીઓ વિશે મળી શકયો નથી, જેના કારણે આ ઘટના પોલીસ માટે વધુ પડકારજનક બની છે. શહેરની ભાગોળે લખુરાઇ ચારરસ્તા નજીકના વિસ્તારમાં બાઇક ઉપર આવેલા બે અજાણ્યા યુવાને છરી વડે હુમલા સાથે મોટરસાઇકલ ઉપર જઇ રહેલા હિરેન પાયણ પાસેથી આ લૂંટ ચલાવી હતી. આ પછી શરૂ થયેલી પોલીસની દોડધામ હજુ સુરાગથી વંચિત રહી છે.  પોલીસ સાધનોનો સંપર્ક કરતાં બી-ડિવિઝન પોલીસ મથકના ઇન્સ્પેકટર દ્વારા તપાસ ચાલી રહી હોવાની તથા પોલીસદળની અન્ય શાખાઓ પણ આ છાનબીનમાં પ્રવૃત્ત થવાની વિગતો મળી હતી. સંબંધિત વિસ્તારમાં વિવિધ સ્થળના સી.સી.ટી.વી. કેમેરાની તપાસણી કરીને પણ કડીઓ મેળવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. તો અગાઉ આ પ્રકારની ગુનાખોરીમાં પકડાયેલા અને આવા ગુના કરવા માટેની મોડસ ઓપરેન્ડી ધરાવતા આરોપીઓનો ઇતિહાસ પણ ચકાસવામાં આવી રહ્યો છે. અલબત્ત તહોમતદારો સુધી પંહોચી શકાય તેવો ઠોસ સુરાગ હજુ હાથમાં નથી આવ્યો.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer