રતનાલમાં ઘરમાં ઘૂસી બિનધાસ્ત રીતે 39 હજારની મતા ઉઠાવાઈ

ગાંધીધામ, તા. 10 : અંજાર તાલુકાના રતનાલ ગામમાં એક બંધ ઘરની દીવાલ કૂદી નિશાચરો કબાટનાં તાળાં તોડી તેમાંથી રોકડ રકમ તથા સોના, ચાંદીના દાગીના એમ કુલ રૂા. 39,000ની મતાની ચોરી કરી નાસી ગયા હતા.રતનાલ ગામના મોરી વિસ્તારમાં ગત મોડી રાત્રે ચોરીનો આ બનાવ બન્યો હતો.  ડ્રાઈવિંગનું કામ કરતા અને આ વિસ્તારમાં રહેતા શામજી શંભુ સુરાણી (પટેલ) અને તેમના પત્ની રાત્રે ચાલીમાં સૂતા હતા. જ્યારે તેમના દીકરા કિશન અને હર્ષદ ઘરમાં બે જુદા-જુદા રૂમમાં સૂતા હતા. આ પરિવારના સભ્યો ઘરની ચાલીના મુખ્ય દરવાજાને અંદરથી તાળું મારી બાદમાં સૂતા હતા તેવામાં મોડી રાત્રિના અરસામાં નિશાચરો તેમના ઘરની દીવાલ કૂદી અંદર ઘૂસ્યા હતા અને અંદર જ્યાં કિશન સૂતો હતો તે રૂમમાં ગયા હતા. આ રૂમમાં આવેલા કબાટનાં તાળાં તોડી અંદરની નાની તિજોરીના લોક તોડી નાખ્યા હતા. આ તિજોરીમાં રોકડા રૂપિયા 15,000, ફરિયાદી શામજી સુરાણીના અગત્યના કાગળો, સોનાની કાનની બૂટી, સોનાની વીંટી, પગના ચાંદીના છડા, એક મોબાઈલ વગેરે મતા હતી.અવાજના કારણે કિશન જાગી જતાં તસ્કરોએ તેની આંખોમાં લાઈટ કરી દીવાલ કૂદીને નાસી ગયા હતા. આ પરિવારે રાત્રે તપાસ કરતાં નિશાચરો હાથમાં આવ્યા નહોતા. બાદમાં આજે સવારે તેમના ઘરથી થોડે દૂર આ તિજોરી (નાનું ખાનું) મળી આવ્યું હતું. જેમાં કાગળિયા હતા, પરંતુ રૂા. 39,000ની મતા ચોરી જવાઈ હતી. ઘરફોડ ચોરીના આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી આગળની તપસ હાથ ધરી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer