બુટલેગર સાથે સાંઠગાંઠ બદલ બદલેલા પોલીસકર્મી કચ્છ આવ્યા

ગાંધીધામ, તા. 10 : પોલીસ બેડાના કર્મચારીઓએ બુટલેગરો સાથે નાતો, ભાઈબંધી રાખતાં તેમને તે ભારે પડયા હતા. મહિસાગર, ગોધરા, અરવલ્લી, ખેડાના 1 પી.એસ.આઈ. સહિત 16 પોલીસકર્મીઓની જિલ્લા બહાર બદલી કરવામાં આવી હતી, જે પૈકી બે કર્મીઓ પશ્ચિમ અને બે કર્મી પૂર્વ કચ્છમાં મુકાયા હતા.પોલીસ બેડામાં લાંછનરૂપ કામગીરી કરનાર 16 પોલીસકર્મીઓની રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાએ જિલ્લા બહાર બદલી કરી હતી.અમુક પોલીસકર્મીઓને બુટલેગરો સાથે ભાઈબંધી મોંઘી પડી હતી. મહિસાગરના હેડ કોન્સ્ટેબલ વીરેન્દ્રસિંહ પ્રતાપસિંહ બિહોલા અને ખેડાના પી.એસ.આઈ. એન્ડ્રુ જેરામ અસારીની પશ્ચિમ કચ્છમાં બદલી કરવામાં આવી હતી તેમજ મહિસાગરના હેડ કોન્સ્ટેબલ સંજયકુમાર કેસરસિંહ રાવત તથા ખેડાના મનુભાઈ બાબુભાઈની પૂર્વ કચ્છ ગાંધીધામ ખાતે બદલી કરવામાં આવી હતી. પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં પણ એવા અમુક કર્મીઓ છે જે બુટલેગરો કે બેનંબરી ધંધાર્થીઓ સાથે સારી એઁવી ભાઈબંધી ધરાવે છે, ત્યારે રાજ્યના પોલીસવડાના આ પગલાંને કારણે અહીંના પોલીસ બેડામાં પણ ફફડાટ જોવા મળ્યો હતો. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer