પૂર્વ કચ્છમાં વર્ષાંતે 168 પોલીસ આવાસ બનશે

ગાંધીધામ, તા. 10 : સંવેદનશીલ આ સરહદી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા હરહંમેશ પ્રયત્નશીલ કચ્છના પોલીસ કર્મચારીઓ માટે  તૈયાર થતા પોલીસ આવાસના કાર્યનો  ધમધમાટ જોવા મળી રહ્યો છે. સંભવત: વર્ષના અંત સુધીમાં  પૂર્વ કચ્છના જુદા-જુદા  શહેરોમાં  168 આવાસ અને  બે સ્થળોએ ગુપ્તચર  એજન્સીના કાર્યાલયનું કાર્ય પૂર્ણ  થઈ જશે. આગામી વર્ષથી  પૂર્વ કચ્છના ત્રણ પોલીસ  મથક અને ત્રણ નાયબ પોલીસ અધીક્ષકના  રહેણાંક  આવાસનું કાર્ય  શરૂ થશે. લોકોની સુરક્ષા માટે હરહંમેશ તત્પર રહેતા પોલીસ કર્મચારીઓ તણાવ વિના અને સુવિધાસભર માહોલમાં પોતાની ફરજ અદા કરી શકે તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા સતત  પ્રયત્નો કરાઈ  રહ્યા છે. પોલીસ આવાસ વિભાગ દ્વારા  બે કેટેગરીના  અંજારમાં 24, આદિપુરમાં 24, ગાંધીધામમાં 48, ભચાઉમાં 72 સહિત  કુલ 168 પોલીસ   આવાસ તૈયાર થઈ રહ્યા છે. ઈજનેરોના મત મુજબ તમામ પોલીસ મકાનનું કાર્ય અંદાજિત છ મહિનામાં પૂર્ણ થઈ જશે, ત્યારબાદ પોલીસ કર્મચારીઓની રહેણાંકની સુવિધામાં વધારો થશે. આ ઉપરાંત ભચાઉ અને રાપરમાં  ગુપ્તચર  એજન્સીના કાર્યાલયનું કાર્ય ધમધમી રહ્યંy છે. શિણાયમાં નિર્માણ પામેલા પોલીસ હેડકવાર્ટર  પાસે   એમ.ટી. સેકશન તૈયાર થઈ રહ્યંy છે.  આ વિભાગમાં  વાહનની સર્વિસ, વર્કશોપ  સાથે વાહન સંલગ્ન તમામ બાબતોનો સમાવેશ કરાશે, જેનું કાર્ય પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે.પોલીસ આવાસના અધિકારી  શ્રી પરમારનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે પૂર્વ કચ્છના જુદા-જુદા વિસ્તારોમાં રહેણાંક ઈમારત સહિતના બાંધકામને લગતા કામો ચાલી રહ્યા છે. અંદાજિત છ મહિનામાં  તમામ  કાર્ય  પૂર્ણ થઈ જશે.  મુંદરા પોલીસ અને મુંદરા મરિન પોલીસ મથકના કર્મચારીઓ માટે કુલ 120 મકાનના બાંધકામનું કાર્ય પણ ગતિમાં હોવાનુ તેમણે ઉમેર્યું હતું. નોંધપાત્ર છે  કે પોલીસ આવાસ વિભાગ દ્વારા વર્ષ 2021-2022 દરમ્યાન એટલે  કે  આગામી વર્ષમાં  પૂર્વ કચ્છના બાલાસર, દુધઈ, આડેસરના  પોલીસ મથકની ઈમારત બંધાશે. વધુમાં અંજાર નાયબ  પોલીસ અધીક્ષક માટે અંજારમાં એક, ગાંધીધામ હેડકવાર્ટરના ડીવાય.એસ.પી. અને એસ.સી./એસ.ટી. સેલના ના.પો. અધીક્ષકના  ઈ-01 કેટેગરીના ગાંધીધામમાં  બે સાથે   કુલ ત્રણ આવાસ  બનશે. શિણાયમાં મરિન ટાસ્કફોર્સ ગાંધીધામની પણ ઈમારત તૈયાર થશે તેવું જાણકારોએ ઉમેર્યું હતું.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer