લેન્ડ ગ્રેબિંગના કાયદાની કચ્છમાં ધાર `બુઠ્ઠી''

ભુજ, તા. 10 : રાજ્ય સરકારે જમીન દબાણ કરનારા તત્ત્વો ઉપર ધોંસ બોલાવવા `લેન્ડ ગ્રેબિંગ એક્ટ' નામનો કડક કાયદો તો બનાવ્યો છે પરંતુ કચ્છની વાત કરીએ તો જાણે આ કાયદાની ધાર બુઠ્ઠી હોય તેવું લાગે છે. કારણ કે એકાદ વર્ષમાં આવેલી 205 ફરિયાદોમાંથી 95 તો `દમ નથી' એમ માનીને સમિતિએ ફરિયાદો જ સાવ રદ કરી નાખી છે અથવા તો `મજબૂત' દબાણકારો હોવાથી ફરિયાદીઓને સમાધાન કરી લેવા સમજાવી લેવામાં આવ્યા છે.ધરતીકંપ પછીના છેલ્લા બે દાયકામાં કચ્છમાં ભૂ-માફિયા બે પાંદડે થઇ ગયા છે. જમીન વ્યવસાયમાં અત્યાર સુધી અનેક ઊથલપાથલ થઇ ગઇ, રોડ ટચથી માંડી કાચી-પાકી જમીનોની થયેલી સોદાબાજી બાદ આ વ્યવસાય મંદ પડતાં અનેકને રોવાનો વારો આવ્યો હતો. જે લોકો ખુદ વર્ષોથી ભાડાના મકાનમાં રહેતા હતા એવા લોકો રાતોરાત `એસ્ટેટ બ્રોકર' થઇ ગયા ને લાખો નહીં કરોડોના સોદા કરતા થયા હતા. આ તો 20 વર્ષ પહેલાંના અતીતની વાત છે પરંતુ ત્યાર પછી જમીનોના  ભાવ વધતાં દબાણ પ્રવૃત્તિ પણ ફૂલીફાલી હતી. કોઇકની માલિકીની જમીન પચાવી પાડવી, સરકારી જમીન ઉપર દબાણ કરીને વેચસાટ, હાઇવે ઉપર પણ ગમે ત્યાં પેશકદમી, આવાં જમીન દબાણને લગતી ઢગલાબંધ ફરિયાદો સરકાર સમક્ષ આવતી થતાં જમીન પચાવી પાડનારા તત્ત્વો ઉપર લગામ લગાવવા રાજ્ય સરકારે લેન્ડ ગ્રેબિંગનો કાયદો અમલમાં મૂકયો હતો. કચ્છની વાત કરીએ તો મોટો ભૌગોલિક વિસ્તાર હોવાથી ધરતીકંપની રાહતોથી અનેક ઉદ્યોગોનું આગમન થયું ને ભાવ ઊંચકાયા પછી કચ્છમાં આવી ગેરપ્રવૃત્તિ શરૂ થઇ હતી.પહોંચેલી-પામેલી વ્યક્તિઓ નબળા ઉપર સુરાતન બતાવી માલિકીની જમીનો હડપ કરે છે તેને રક્ષણ આપવા સરકારે કડક કાયદો બનાવ્યો છે ત્યારે `કચ્છમિત્ર' તરફથી કલેકટર કચેરીમાં તપાસ કરવામાં આવતાં કચ્છમાંથી 205 અરજીઓ આવી હતી. ત્યાર પછી ઓનલાઇન અરજી સ્વીકારવાનું નક્કી થતાં 13 અરજીઓ તો ઓનલાઇન આવી હતી.આ 205માંથી 119 અરજીઓ નિકાલ થઈ ગઈ હોવાનું ચોપડે બોલે છે. નિકાલ કઈ રીતે થઈ એ જાણવાનો પ્રયાસ અમારી ટીમે કર્યો તો જાણવા મળ્યું કે 119માંથી 95 અરજી રદ કરી દેવામાં આવી છે. જ્યાં `બળૂકા' લોકોના દબાણ છે અને ખુદ તંત્ર પણ તેમની સામે કોઈ કાર્યવાહી કરી શકે તેમ નથી અથવા માથાભારે-ભલામણવાળા લોકો સામે ફરિયાદો હોવાથી પ્રાંત કક્ષાએ ફરિયાદી-અરજદારોને બોલાવી સમજાવી સમાધાન કરી લેવાનું નક્કી કરાયું હોવાથી આપોઆપ નિકાલ શબ્દ આવી જાય છે. ખુદ કચ્છના કલેક્ટર પ્રવીણા ડી.કે.ને 95 અરજી શા માટે રદ કરાઈ એ સવાલ પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું કે અમારી પાસે ફરિયાદ આવે તો તપાસ માટે પ્રાંત અધિકારીને મોકલવામાં આવે છે. કેટલાક કિસ્સામાં મામલતદાર કક્ષાએ નોંધ પાડવાની હોય છે અથવા તો નિયમોમાં નથી આવતી તેવામાં સમજાવીને અરજદાર સમાધાન કરી લે છે એ બે અરજી રદ કરી દેવામાં આવે છે. પરંતુ આ તો કલેક્ટરે પોતાનો પક્ષ રાખ્યો, હકીકત કંઈક જુદી જ છે. જો `પ્રામાણિક' અધિકારીઓને તપાસ સોંપવામાં આવે તો કેટલા કિસ્સામાં કાર્યવાહી થઈ શકે તે બહાર આવી શકે છે. જો કે, કલેક્ટરે બીજી બાજુ એમ જણાવ્યું કે, અમે પોલીસ ફરિયાદ પણ કરવાનું કહ્યું છે, એવા કિસ્સા 24 છે. જેમાંથી 12 અરજીઓમાં પોલીસ ફરિયાદ  થઈ છે. બાકીની 86 અરજીઓની તપાસ ચાલુ છે અને કચ્છના મહેસૂલી તંત્રે 100 ટકામાંથી 67 ટકા કામગીરી પૂર્ણ બતાવીને સરકારને હેવાલ મોકલી સંતોષ પણ માની લીધો છે. જો 24 કિસ્સાઓમાં પોલીસ ચોપડે નોંધ થઈ તો શું કાર્યવાહી થઈ એ માટે પોલીસવડા સૌરભ સિંઘને પૂછતાં તેમણે કહ્યું કે કેટલાક અરજદારો બહાર હોવાથી આગળની કાર્યવાહી બાકી છે. બાકી કલેક્ટર કક્ષાએ નિર્ણય લેવાયા પછી જ પોલીસ ગુનો દાખલ કરે છે. જો કે, અત્યાર સુધીમાં કોઈ વ્યક્તિ સામે પગલાં લેવાયાં નથી એ હકીકત છે ! 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer