દિલ્હીનો શાર્પશૂટર મેઘપર (બો.)થી પકડાયો

ગાંધીધામ, તા. 10 : અંજાર તાલુકાના મેઘપર બોરીચીના એક વિસ્તારમાંથી દિલ્હીની ગોગી ગેંગના એક શાર્પશૂટરને દિલ્હીની સ્પેશિયલ સેલની ટીમ તથા સ્થાનિક એલ.સી.બી.ની ટીમે દબોચી લીધો હતો.મેઘપર બોરીની ગોલ્ડન પાર્ક સોસાયટી પાછળ આવેલી નિર્મલ નગર સોસાયટીમાંથી હરિયાણા પાણીપતના મોહિત સુરેન્દ્ર જાટ નામના શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. આ શખ્સ દિલ્હીની જીતુ ઉર્ફે ગોગી ગેંગનો સાગરીત છે. આ ગેંગના સાગરીતો વિરુદ્ધ દિલ્હી અને હરિયાણામાં 15 જેટલા ભારે ગુનાઓ નોંધાયેલા છે. અહીંથી પકડાયેલા આ શખ્સ મોહિત જાટ વિરુદ્ધ દિલ્હીમાં સરકારી કામમાં રૂકાવટ, સરકારી કર્મી ઉપર જીવલેણ હુમલો સહિતની કલમો તળે ગુના  નોંધાયેલા છે.છેલ્લા કેટલાક મહિનાથી અહીં રહેતો આ શખ્સ ગાંધીધામ બાજુ હોવાનું બહાર આવતાં દિલ્હીની સ્પેશિયલ સેલની ટીમ અહીં ધસી આવી હતી અને સ્થાનિક એલ.સી.બી.ની ટીમ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. નિર્મલનગરમાં પોતાના મિત્રને ત્યાં રહેતા આ શખ્સને સંયુક્ત ટીમોએ દબોચી લીધો હતો. પકડાયેલા શખ્સને દિલ્હીની ટીમ પોતાની સાથે લઇ ગઇ હતી.ગાંધીધામ-કંડલા સંકુલમાં અનેક પરપ્રાંતીય લોકો કામ ધંધાર્થે વસ્યા છે. એ પૈકી ઘણા ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય છે. પોલીસની સ્થાનિક ગુપ્તચર સંસ્થાઓને આ કામગીરી કરવાની હોય છે, પરંતુ મોટાભાગના એજન્સીના કર્મીઓ આવી બાબતોમાં નિક્રિય રહે છે પરિણામે ગંભીર ગુના બનવાની ભીતિ ઊભી થાય છે. ભૂતકાળમાં કંડલા વિશેષ આર્થિક ક્ષેત્રના એક યુવાન વેપારીની હત્યા સમયે પણ આવી હકીકત સામે આવી જ હતી, પરંતુ ગુપ્તચર સંસ્થાઓ હજુય નિક્રિય જ છે તેવું આ કિસ્સા ઉપરથી સમજાય છે. બી રોલિંગની કામગીરી થતી જ નહીં હોવાથી સંકુલમાં સુરક્ષા જોખમાય તેવી ભીતિ છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer