મુંદરા પાસે કન્ટેઇનર યાર્ડ કચેરીમાંથી છરીની અણીએ 7200ની કરાઇ લૂંટ

ભુજ, તા. 10 : આ શહેરમાં છરીની અણીએ ખાનગી કંપનીના યુવાન કર્મચારી પાસેથી રૂા. 5.74 લાખની રોકડની લૂંટનો બનાવ હજુ તાજો અને તદ્દન વણઉકેલ્યો છે, તેવા સમયે મુંદરા નજીકના કન્ટેઇનર યાર્ડની કચેરીમાંથી છરીની અણીએ રૂા. 7200ની માલમત્તાની ત્રણ અજ્ઞાત શખ્સે ગત મધરાત્રે લૂંટ ચલાવતાં પોલીસ દોડધામમાં પડી ગઇ છે. મુંદરા નજીક કાર્યરત જે.એમ.જે. કન્ટેઇનર સોલ્યુશન એમ.ટી. યાર્ડની કચેરીમાં લૂંટની આ ઘટના ગઇરાત્રે બારેક વાગ્યાના સુમારે બની હતી. ત્રણ અજ્ઞાત શખ્સો છરી બતાવીને તેના જોરે વાઇફાઇ રાઉટર અને રૂા. 4000 રોકડા મળી કુલ રૂા. 7200ની માલમત્તાની લૂંટ કરી ગયા હોવાની ફરિયાદ મૂળ ઓરિસ્સાના વતની અને હાલે મુંદરામાં બારોઇ રોડ સ્થિત સુરજનગરમાં રહેતા પ્રકાશ યુધિષ્ઠિર રાણાશીંએ લખાવી હતી. મુંદરા પોલીસે લૂંટનો ગુનો દાખલ કર્યા બાદ ફોજદાર ટી.એચ. પટેલે કેસની તપાસ હાથ ધરી અજાણ્યા આરોપીઓના સઘડ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer