બે દિવસ બાદ કોરોના કેસ ફરી એકલ આંકમાં

ભુજ, તા. 10 : કોરોના કેસમાં બે દિવસ સુધી વધારો જોવા મળ્યા બાદ ગુરુવારે ફરી નવા સંક્રમિતોની સંખ્યા એકલ આંકમાં પહોંચી છે. જિલ્લાના શહેરી વિસ્તારમાં 4 અને ગ્રામ્ય વિસ્તારમાં 5 મળી નવા 9 કેસ નોંધાયા તેની સામે  20 ગણા વધુ 188 દર્દીઓએ સાજા થઇ આ મહામારીની ચુંગાલમાંથી મુકિત મેળવી હતી.પશ્ચિમ કચ્છના ત્રણ તાલુકા અબડાસા, લખપત અને નખત્રાણા કોરોના કેસ વિહોણા રહ્યા તો આ ત્રણ તાલુકામાં અનુક્રમે 9, 3 અને 11 દર્દીઓ સાજા થયા હતા.જિલ્લા મથક ભુજમાં નવા 2 કેસ સામે અધધધ 86 દર્દીઓ સાજા થયા હતા. અંજારમાં 1 સામે 21, ભચાઉમાં 1 સામે 1, ગાંધીધામમાં 1 સામે 19, માંડવીમાં 1 સામે 21, મુંદરામાં 2 સામે 8, રાપરમાં નવા 1 કેસ સામે 9 દર્દીઓ સાજા થયા છે. ભુજની વાત કરીએ તો અહીં 10 દિવસમાં માત્ર 43 નવા કેસ નોંધાયા તેની સામે 633 દર્દીઓ સ્વસ્થ થતાં ક્યાંકને ક્યાંક આંકડામાં મોટો વિરોધાભાસ ફેલાઇ રહ્યાનું જાગૃતો જણાવી રહ્યા છે.કોરોના રિકવરી રેટ 93 ટકાની નજીક પહોંચ્યો છે તો સક્રિય કેસ ઘટીને 778 થયા છે. જિલ્લામાં કુલ નોંધાયેલા પોઝિટિવ કેસનો આંક 12485 તો સાજા થયેલા દર્દીઓની સંખ્યા 11595 પર પહોંચી છે.આ તરફ જિલ્લામાં 18થી 44 વર્ષમાં 3142 અને 45 વર્ષથી વધુમાં 1243 મળી 4385 લોકોને રસી અપાઇ એ સાથે રસી લેનારા લોકોની કુલ સંખ્યા 3.35 લાખના આંકે પહોંચી છે.સંક્રમણના ઘટતા વ્યાપ વચ્ચે હજુ 69 દર્દીઓ વેન્ટિલેટર, બાયપેપ પર હોતાં તેમની સ્થિતિ ગંભીર ગણાવાઇ રહી છે.જિલ્લાની કોવિડ હોસ્પિટલોમાં 3662ની કુલ ક્ષમતા સામે 3065 પથારી કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ઉપલબ્ધ છે, તેમાં વેન્ટિલેટર-બાયપેપવાળા 180, ઓક્સિજનવાળા 1567 અને 1318 સાદા બેડનો સમાવેશ થાય છે.જે રીતે સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે અને નવા કેસ નિયંત્રિત થતાં સક્રિય કેસ ઘટી રહ્યા છે તે જોતાં કચ્છને કોરોનામુકત બનાવવા ભણી તંત્રે દોટ મૂકી હોવાનું આંકડા પરથી દેખાઇ રહ્યું છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer