ભુજમાં પાણીના ટેન્કરનો મુદ્દો પહોંચ્યો પોલીસ સ્ટેશને

ભુજ, તા. 10 : પાણીના ટેન્કરનો મુદ્દો આજે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. ભુજના વોર્ડ નં. 1ના વિપક્ષી નગરસેવિકાએ સત્તા પક્ષના વોર્ડ નં. 3ના નગરસેવક સામે ગેરવર્તનની ફરિયાદ પોલીસ અધીક્ષક સમક્ષ કરી હતી. જ્યારે સત્તા પક્ષના નગરસેવકે તમામ બાબત ખોટી હોવા સાથે નગરસેવિકાના પતિ દ્વારા અપશબ્દો કહેવાયાનું જણાવ્યું હતું. ભુજના આધાર સમા નર્મદાનાં નીર ખોરવાતાં શહેરમાં ટેન્કર માટે ભારે અફરાતફરી મચી હતી. આ દરમ્યાન ગત 9મીના રાત્રે સવા દસ આસપાસ વિપક્ષી નગરસેવિકા આઈસુબેન સમા તેમના વિસ્તારના લોકો માટે ટેન્કર વાટે પાણી પહોંચે તે માટે રાવલવાડી સમ્પે ગયા હતા, જ્યાં ભાજપના નગરસેવક કાસમભાઈ કુંભાર (ધાલાભાઈ) પણ હાજર હતા. જેમણે કહ્યું કે, વોર્ડ 1 અને 2માં પાણી નહીં મળે તેમજ ગેરવર્તન અને ધાકધમકી આપી હોવાનું આઈસુબેને ફરિયાદમાં જણાવી કાર્યવાહીની માંગ કરી હતી. આઈસુબેન સાથે નગરસેવક કાસમ સમા પણ હાજર હોવાનું ઉમેર્યું હતું. આ અંગે નગરસેવક કાસમ કુંભાર ઉર્ફે ધાલાભાઈનો સંપર્ક સાધતાં તેમણે આ તમામ બાબતને રદિયો આપ્યો હતો અને વધુમાં ઉમેર્યું કે, આઈસુબેનના પતિએ તેમને અપશબ્દો કહ્યા હતા. કાસમ કુંભારે વધુમાં ઉમેર્યું કે, તેમણે પણ તેમના વિસ્તાર માટે ટેન્કરની વર્ધી નોંધાવી હતી અને વારાફરતી લઈ જવા કહ્યું હતું. જો કે, બાદમાં તેમણે આઈસુબેનને ફોન પર ટેન્કર તેમના વિસ્તારમાં લઈ જવા જણાવ્યું હતું. બનાવ સમયે વોર્ડ નં. 4ના નગરસેવક હનીફ માંજોઠી પણ સ્થળ પર હાજર હતા અને તેમણે બન્ને વચ્ચે સમાધાનના પ્રયાસો કર્યા હતા.પોલીસ કચેરીએ રજૂઆત સમયે વિપક્ષના સાથી નગરસેવકો, અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer