ગાંધીધામમાં ગટર લાઈન નખાઈ, પણ નિકાલની કોઈ વ્યવસ્થા ન કરાઈ !

ગાંધીધામ, તા. 10 : શહેરની પાલિકા દ્વારા કરવામાં આવતાં કામોમાં લોટ, પાણીને લાકડાંની નીતિ અપનાવાતી હોવાના અનેક આક્ષેપ લોકોએ કર્યા છે. અહીંના કાર્ગો વિસ્તારમાં પાલિકા અને જી.યુ.ડી.સી. દ્વારા થોડા સમય પહેલાં ગટરની લાઈન નાખવામાં આવી હતી, પરંતુ તેના નિકાલ માટે ક્યાંય જગ્યા ન હોવાથી પાણી આગળ વધતું નથી અને અહીંના લોકો પરેશાન થઈ રહ્યા છે. અહીંના કાર્ગો વિસ્તારમાં શ્રમિક વર્ગ રહે છે. આ વિસ્તારમાં અગાઉ પાલિકાએ એક હાથ જેટલા શૌચાલય લોકોને બનાવી આપ્યા હતા અને તેનાં પાણીના નિકાલ માટે તાંસળી જેવડા ખાડા કરી આપીને ચાલતી પકડી હતી. આવા હાસ્યાસ્પદ કામથી અહીંના લોકો માટે ઉલ્ટાનો મરો થયો હતો. શ્રમિક વર્ગની પાલિકાએ મશ્કરી કરી હોય તેવી ટીખળ પણ જે-તે વખતે લોકોએ કરી હતી. આવી ફરિયાદો, રજૂઆતો બાદ આ વિસ્તારમાં પાલિકા અને જી.યુ.ડી.સી. દ્વારા લાખો, કરોડોનાં ખર્ચે ગટરની લાઈનો નાખવામાં આવી હતી, પરંતુ આ લાઈનો નખાઈ ગયા બાદ તેનો નિકાલ કયાં કરવો તે પ્રશ્ન ઊભો થયો હતો. શહેરની અન્ય મુખ્ય ગટર લાઈનોમાં તેનું જોડાણ આપવું અશક્ય છે, માટે આ વિસ્તારમાં ખુલ્લી નાળી કરી તેનું પાણી દરિયામાં જવા દેવાય છે. ખુલ્લી એવી આ નાળીમાં અનેકવાર માટીનાં કારણે ગટરનું પાણી આગળ વધતાં અટકી ગયું છે. બીજીબાજુ, આ જગ્યા પર રેલવેની અગાઉ ડબલ લાઈન હતી, પરંતુ માલગાડીની અવર જવર વધતાં અહીં 6 લાઈન કરી નાખવામાં આવી છે. આ નાળી વારંવાર બંધ પડી જતી હોવાથી લોકોનાં ઘરોમાં તથા ગલી, શેરીઓમાં ગટરનાં ગંદાં પાણી ભરાઈ રહે છે. હાલમાં પણ આ નાળી બંધ થઈ જતાં ફરિયાદોનાં પગલે પાલિકાની ટીમ દોડતી થઈ હતી, ત્યારે આ સમસ્યાનો કાયમી નિવેડો લાવવા લોકોએ માંગ કરી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer