નખત્રાણા વચ્ચેના ભુજ-લખપત માર્ગે પાપડી ઊંચી ન કરવા માંગ

નખત્રાણા, તા. 10 : નગર વચ્ચેથી પસાર થતા ભુજ-લખપત હાઇવે માર્ગ પર સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યુ પાસે પાપડી ઊંચી નહીં કરવાની માગણી નખત્રાણા વેપારી મંડળ દ્વારા રાજ્યના માર્ગ-મકાન વિભાગને લેખિતમાં કરાઇ છે.વેપારી મંડળના પ્રમુખ હીરાલાલભાઇ સોનીએ પત્રમાં જણાવ્યું કે, માર્ગ પરની પાપડી ઊંચી થવાથી મુખ્ય બજાર વચ્ચેથી પસાર થતો વરસાદી પાણીનો વોકળો નીચો થવાથી પાણીના ભરાવાની સમસ્યા ઊભી થશે, જેથી દુકાનો તેમજ રહેણાકોમાં પાણી ભરાવાની પૂરી ભીતિ છે.વધુમાં નખત્રાણામાં હાઇવે માર્ગ પરનું કામ ચાલી રહ્યું છે અને ઉપરોક્ત વિસ્તારમાં પાપડી પર છ ઇંચ જેટલો સિમેન્ટ કોંક્રિટનો ભરાવો કરી ઊંચી કરવાની કામગીરી કરાય છે તે પાપડી પરનો માર્ગ જ્યારે જ્યારે રિપેર કરાય ત્યારે આ પાપડીની ઊંચાઇનું સ્તર વધતું રહ્યું છે. જેના કારણે આ વોકળાવાળા રસ્તાની ઊંચાઇ પણ વધતી રહી છે. મુખ્ય બજારમાંથી પસાર થતો પાણીનો વોકળો નીચો થવાથી કેટલીક દુકાનો તથા રહેણાક વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળતા હોય છે. જેથી આ વોકળો પસાર થાય છે તેટલી પાપડી ઊંચી ન લેવા તથા થોડુંક  કામ કરીને ઊંચું લેવામાં આવેલ છે તે યથાવત રાખવા તેમજ ભરાવો કાઢી નાખવા જાહેર હિતમાં માગણી સાથે યોગ્ય કરવા વિનંતી કરાઇ હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer