ભુજમાં છરીથી હુમલા સાથે 5.75 લાખની રોકડની લૂંટ

ભુજમાં છરીથી હુમલા સાથે 5.75 લાખની રોકડની લૂંટ
ભુજ, તા. 9 : આ શહેરની ભાગોળે લખુરાઇ ચાર રસ્તા નજીકના વિસ્તારમાં ખાનગી કંપની કેશ મેનેજમેન્ટ સર્વિસના કર્મચારી હિરેન જેમલ પાયણ (ઉ.વ.25) ઉપર છરી વડે હુમલો કરીને તેની પાસેથી રૂા. 5.74 લાખની રોકડ સાથેની ધોળા દિવસે લૂંટ કરાતાં સનસનાટી મચી ગઇ છે. આ કૃત્યને અંજામ આપ્યા બાદ બજાજ પલ્સર બાઇક ઉપર પલાયન થઇ ગયેલા બે અજ્ઞાત યુવાનને શોધવા પોલીસ જબ્બર દોડધામમાં પડી ગઇ છે. આજે બપોરે દોઢેક વાગ્યાના સુમારે સુરલભીઠ્ઠ રોડ લખુરાઇ ચાર રસ્તા ખાતે લૂંટની આ સનસનીખેજ ઘટના બની હતી. છરી વડે થયેલા હુમલામાં ભોગ બનનારા ભુજની જૂની રાવલવાડી ખાતે રહેતા હિરેન પાયણને હાથમાં ઇજા પણ થઇ હતી. ભુજ શહેર બી. ડિવિઝન પોલીસ દ્વારા આ ઘટના વિશે બન્ને અજાણ્યા આરોપી સામે વિધિવત્ ગુનો મોડીસાંજે દાખલ કરાયો હતો. ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું કે ભોગ બનનારો હિરેન પાયણ કેશ મેનેજમેન્ટ સર્વિસ નામની કંપનીમાં રોકડ રકમ એકત્ર કરવાનું અને પહોંચાડવાનું કામ કરે છે. રોજની જેમ આજે શહેર અને આસપાસના વિસ્તારમાં આ કાર્યવાહી કર્યા બાદ તે બપોરે સુરલભીઠ્ઠ રોડ ઉપર ઇન્ટાકાર્ટની કચેરીએ રોકડ લેવા ગયો હતો, જ્યાંથી પરત ફરતી વેળાએ તેની સાથે લૂંટનો આ કિસ્સો બન્યો હતો. મોઢાં ઉપર કાળું માસ્ક અને સફેદ ટિ-શર્ટ પહેરેલા  બે અજાણ્યા 30થી 35 વર્ષના યુવાનોએ બાઇક ઉપર જઇ રહેલા હિરેનને રોકવાની કોશિશ કરી હતી, પણ બાઇક ઊભી ન રખાતાં ચાલુ વાહને હાથ પકડી તેને ખેંચાયો હતો, જેનાં કારણે હિરેન રસ્તા ઉપર પડી ગયો હતો. આ યુવકને છરી વડે ખભ્ભામાં ઘા પણ કરાયો હતો. આ પછી રોકડ ભરેલો થેલો તેમણે છરીની અણીએ ઝુંટવ્યો હતો. રૂા. 5.74 લાખની રોકડ સાથેની આ બ્લૂ- લીલા કલરની કોલેજિયન બેગ એવો થેલો લઇને બન્ને જણ પલ્સર બાઇક ઉપર નાસી ગયા હતા તેવું પોલીસે ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું. ભોગ બનનારે તેની સાથે બનેલી ઘટનાની સંબંધિતોને જાણ કર્યા બાદ શોધખોળ હાથ ધરવા સાથે પોલીસને વાકેફ કરાઇ હતી. પોલીસે તાબડતોબ હરકતમાં આવી નાકાબંધી કરવા સાથે છાનબીન આદરી હતી. સંલગ્ન વિસ્તારના સી.સી. ટી.વી. ફૂટેજનો અભ્યાસ પણ કરવામાં આવી રહ્યો છે. અલબત્ત, આજે રાત્રિ સુધીમાં હજુ કોઇ સુરાગ મળ્યો નથી.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer