છારીઢંઢ ભરઉનાળે બન્યું પક્ષીતીર્થ

છારીઢંઢ ભરઉનાળે બન્યું પક્ષીતીર્થ
ભુજ, તા. 9 : ધોળાવીરાની પુરાતત્ત્વીય વિરાસત પોતાની આગવી વિશિષ્ટતાના કારણે વર્લ્ડ હેરિટેજના આંગણે દસ્તક દઇ રહી છે. કચ્છનું તેવું જ એક પર્યાવરણીય વિશિષ્ટતા ધરાવતું સ્થળ `છારીઢંઢ' પોતાની વન્ય વિરાસતના કારણે `રામસર કન્વેયન્સ'માં સમાવિષ્ટ થવા પ્રયાણ કરે છે. કોરોનાના આતંકને દૂર કરવામાં અક્સીર ઉપાય રૂપે કહી શકાય તેવું આત્માને શાંતિ આપવા કુદરતને ખોળે ખૂંદવા માટે છારીઢંઢનું પક્ષીતીર્થ આવા પ્રખર ઉનાળામાં મનને શાતા આપે તેવું પ્રેક્ષણીય સ્થળ બનવા?જઇ રહ્યું છે. ગુજરાતનું સ્ટેટ બર્ડ અને રા'લાખાના જાનીનું બિરુદ પામેલા સુરખાબ ઉર્ફે ફલેમિંગો નામનાં રૂપકડાં ગુલાબી પક્ષીઓએ પોતાનાં બચ્ચાં ઉછેર પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઇ છારીઢંઢમાં મોટા જમાવડા રૂપે એકઠા થઇ ભરઉનાળામાં મુક્તપણે વિચરી રહ્યા છે, જે જોઇને મન અને આત્મામાંથી કોરોનાનો ભય તાત્કાલિક દૂર થઇ જાય અને આનંદ ઊભરાઇ જાય તેવાં રમણીય દૃશ્યો છારીઢંઢમાં આ રૂપકડાં પક્ષીઓએ ઊભા કર્યાં છે. અહીં પંદરથી વીસ હજારથી વધારે ફલેમિંગો જેમાં નાનાં બચ્ચાં પણ છે તેઓ આરામથી પ્રખર ગરમીમાં  જીવન નિભાવતા જોવાનો આ એક અનન્ય લહાવો માણવા જેવો છે. નવીન બાપટ સાથે જોડાયેલા મલ્હાર ટીમના સભ્યો કેતન ગોસ્વામી- મૌલિક ડાભીની ટીમે છારીઢંઢના પરિસરનું પ્રકૃતિ ભ્રમણ કરતાં જ સવારમાં અહીં શિયાળનાં 4 બચ્ચાંના ઝૂંડે પોતાના ઘર-ગુફામાંથી ગૂડ મોર્નિંગ પાઠવ્યા હતા. અહીંના વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર બનવા જઇ રહેલા મુકિમ મુતવાએ લોંકડીનાં બચ્ચાં સહિતની ગુફાનો પણ નિર્દેશ કર્યો હતો એટલે વાઇડ લાઇફ  સમૃદ્ધ છે. છારીઢંઢના પરિસરમાં સ્થાનિક નિવાસી પક્ષીઓનો મોટો જમાવડો હતો, જેમાં પેઇન્ટેડ સ્ટોર્ક (રંગીન ધોકડા)ની 5000 જેટલી જમાતમાં મનોરંજન કરતી હતી. કાજિયા ઉપરાંત અહીં ચમચા, કાંકણાસરના નાના-મોટા સમૂહ સાથે દૂર નહીં ઓળખાયેલ ગલ અને કારપીયન ટર્નના મોટા ઝૂંડ ઉડાઉડ કરતા હતા. કારપીયન ટર્ન આ વિસ્તારમાંથી માછલી લઇ બચ્ચાંને ખવડાવવા જતી હોય તેવાં દૃશ્યો પણ જોવા મળતા હતા. ગલ અથવા ટર્નની સંખ્યા પણ હજારોમાં હતી જ. કાળી ડોક ઢોંકની ત્રણ જોડી છારીઢંઢમાં વિચરતી હતી, જેમાં એક જોડી બચ્ચા હતા. આ દુર્લભ પક્ષી ક્યાંક માળો કરતું હશે તેવું અનુમાન નિરીક્ષક ટીમે કર્યું હતું. કચ્છ જે કારાયલ જો કેકારવના બાપટે આ સ્થળને રામસર કન્વેયન્સમાં સમાવેશ કરવા ગુજરાત સરકારને કરેલી વિનંતી માન્ય થશે તો કચ્છના પર્યાવરણમાં એક નવું પીછું ઉમેરાશે એમ જણાવ્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer