ગાંધીધામનાં ટ્રાફિક સિગ્નલ ઝબૂકતાં થાય તેવા સંકેત

ગાંધીધામનાં ટ્રાફિક સિગ્નલ ઝબૂકતાં થાય તેવા સંકેત
ગાંધીધામ, તા. 9 : આ સંકુલમાં  ટ્રાફિક સમસ્યાને હળવી બનાવવા પાલિકા  દ્વારા 26 લાખના ખર્ચે બંધ પડેલા ટ્રાફિક સિગ્નલોને ચાલુ કરવા,જરૂરી સમારકામ, થાંભલાઓને રંગરોગાન સહિતની કામગીરી શરૂ કરાઈ હતી. જેને અંદાજીત ચાર મહિના જેટલો સમય વિતવા આવ્યો છે. તેમ છતાં  આ સિગ્નલો પૂર્ણ સ્વરૂપમાં ચાલુ ન થતાં મુખ્ય ટાગોર માર્ગ ઉપર વાહનોની લાંબી લાંબી લાઈનના દ્રશ્યો રોજીંદા બન્યા છે.વાહનચાલકોની કાયમી પળોજણનો નજીકના દિવસોમાં ઉકેલ આવશે તેવી હૈયાધારણ પાલિકાએ આપી હતી. વાહનની અવર-જવરથી સતત ધમધમતા અને આદિપુરગાંધીધામને જોડતા ટાગોર રોડ ઉપર ટ્રાફિક જામની સમસ્યા રોજીંદી બની છે. પરિણામે  વાહન ચાલકોને અનેક પ્રકારની હાલાકી વેઠવાનો  વારો આવે છે. ભૂતકાળના સમયમાં  નાગરિકોની કનડગત ઓછી કરવા ગાંધીધામ ચેમ્બર ઓફ  કોમર્સ  તથા અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓના આર્થિક સહકારથી ટાગોર રોડઉપર ટ્રાફિક સિગ્નલ મુકાયા હતા. ટ્રાફિક સિગ્નલોની જાળવણીના અભાવે ટૂંકા ગાળામાં આ સિગ્નલો  બંધ થયા હતા. જે તે સમયે બંધ પડેલા ટ્રાફિક સિગ્નલના સમારકામ મુદે પોલીસતંત્ર અને ગાંધીધામ નગરપાલિકા વચ્ચે ભારે વિવાદ ચાલ્યો હતો. પોલીસ લોક દરબારમાં રેન્જ વડા દ્વારા ટ્રાફિક સિગ્નલની જાળવણી અને સમારકામની  જવાબદારી પાલિકાની હોવાની સ્પષ્ટતા કરાઈ હતી. જેને કારણે સિગ્નલ વિવાદનો બોલ પાલિકાના કોર્ટમાં આવ્યો હતો.અંતે ગાંધીધામ નગરપાલિકાએ આ જવાબદારીનો સ્વીકાર કરી બંધ પડેલા ટ્રાફિક સિગ્નલોને ફરી ઝબુકતા કરવા કવાયત હાથ ધરી હતી. પાલિકાએ  26 લાખના ખર્ચે બંધ પડેલા  સિગ્નલને ચાલુ કરવા, આવશ્યક સમારકામ, થાંભલાઓને રંગરોગાન સહિતનુ કાર્ય સંભવત જાન્યુઆરી  મહિનામાં  આરંભ્યુ  હતું. આ ઉપરાંત દાદા ભગવાન મેદાન પાસે ઈફકો સંકુલની  હદ પૂર્ણ થતા અને ડો. હોતચંદાણીની હોસ્પિટલ પાસેના ચાર રસ્તા પાસે  વધતા જતા અકસ્માતોને લઈને પોલીસના સૂચન બાદ પાલિકાએ અત્રે  નવો ટ્રાફિક પોઈન્ટ ઉભો કરી ચારેય બાજુએ સિગ્નલ મુકયા હતા.માર્ગ ઉપર પસાર થતા વાહનોને રૂક જાવો સહિતના સંદેશ આપતા સિગ્નલોનું  મોટાભાગનું  કાર્ય પૂર્ણ  થઈ ચૂકયુ છે. તેમ છતાં સિગ્નલો  પૂર્ણ સ્વરૂપમાં કાર્યરત થઈ શકયા નથી. સિગ્નલના અભાવે પોલીસ અને ટ્રાફિક સહાયકોને ટ્રાફિક નિયમન  માટે ભારે જહેમત ઉઠાવી પડે છે.આ અંગે પાલિકાના મુખ્યઅધિકારી દર્શનસિંહ ચાવડાએ કહ્યું હતું કે સિગ્નલોમાં સમય સેટ કરવાનું કાર્ય બાકી છે.આ માટે કામ કરનાર અમદાવાદની એજન્સીને સૂચના  અપાઈ છે.પોલીસતંત્ર સાથે પરાર્મશ કરી કયા સિગ્નલમાં કેટલો સમય  સેટ કરવો તે દિશામાં કાર્ય કરાશે. સંભવત 10 દિવસમાંસિગ્નલો ઝબૂકતા થશે તેવું તેમણે ઉમેર્યું હતું.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer