નાડાપાની સીમમાં ડારાડફારા કરીને 1.20 લાખ પડાવનારા રિમાન્ડ તળે

નાડાપાની સીમમાં ડારાડફારા કરીને 1.20 લાખ પડાવનારા રિમાન્ડ તળે
ભુજ, તા. 9 : તાલુકાના નાડાપા ગામની સીમમાં પત્રકાર તરીકે ડારાડફારા કરીને તથા બીક બતાવીને ભુજવાસી જે.સી.બી. ચાલક પાસેથી રૂા. 1.20 લાખની રકમ પડાવનારા બે આરોપી જયદિપગિરિ ગુંસાઇ અને ભાવેશ ડાંગરને બે દિવસના રિમાન્ડ ઉપર લેવાયા છે. પોલીસે મામલાના વીડિયો રેકોર્ડિંગ સહિતના મહત્વના પુરાવા એકત્ર કરીને આરોપીઓ સામે કાયદાનો ગાળીયો વધુ મજબુત બનાવ્યો છે. આ કેસમાં બે આરોપી પૈકી ભાવેશ ડાંગરની આગોતરા જામીન અરજી નામંજુર થયા બાદ આ બન્ને તહોમતદાર પદ્ધર પોલીસ સમક્ષ રજુ થયા હતા.પોલીસે કોરોના પરિક્ષણ બાદ તેમની વિધિવત ધરપકડ કરીને રિમાન્ડની માગણી સાથે તેમને અદાલત સમક્ષ પેશ કરતા ન્યાયાધીશે બન્નેના બે દિવસના રિમાન્ડ મંજુર કરતો આદેશ કર્યો હતો. કેસના તપાસનીશ પદ્ધર પોલીસ મથકના સબ ઇન્સ્પેકટર એસ.આર. જાડેજાએ રિમાન્ડ  હેઠળની કાર્યવાહી હાથ ધરી સઘન પૂછતાછ અવિરત રાખી છે. દરમ્યાન આ કેસ બાબતે આજે પત્રકારો સાથે વાતચીત કરતા ભુજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલે જણાવ્યું હતું કે પોલીસે કેસને મજબુતી બક્ષવા માટે રૂપિયાની લેવડદેવડ સમયના વીડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એકત્ર કર્યા છે. એક આરોપીનું ઓળખપત્ર પણ બનાવના સ્થળેથી મળી આવ્યું છે. ભોગ બનનાર પાસેથી ત્રણ તબકકે રકમ મેળવાઇ હોવાનું પણ તપાસમાં ખૂલ્યું છે. રિમાન્ડની પૂછતાછ તળે વધુ કડીઓ મળવાની સંભાવના જોવાઇ રહી છે.  

© 2022 Saurashtra Trust