નર્મદા કેનાલનું કોકડું ઉકેલવા સફળ પ્રયાસો

નર્મદા કેનાલનું કોકડું ઉકેલવા સફળ પ્રયાસો
ભુજ, તા. 9 : જમીન સંપાદનના વળતર સહિતના પ્રશ્ને વર્ષોથી અટકેલી ટપ્પરથી મોડકુબા સુધીની નર્મદા કેનાલ મુદ્દે કચ્છ નર્મદા પર્યાવરણ વિકાસ સમિતિએ ઝુંબેશ ઉપાડી ખેડૂતો સાથે ખાટલા બેઠકો યોજતાં આ પ્રશ્ન ઉકેલની સાથે સફળતા ભણી આગળ વધી રહ્યો છે. આ અંગે સમિતિના કન્વીનર કેશુભાઇ ઠાકરાણી અને સહકન્વીનર અને નિવૃત્ત ઇજનેર પ્રભુભાઇ નાકરાણીએ કચ્છમિત્ર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ટપ્પરથી મોડકુબા જતી નર્મદા કેનાલ વચ્ચે આવતી વર્તમાન ખેડૂતોની જમીન રેવન્યૂ રેકર્ડમાં પૂર્વ ખેડૂતોના નામે બોલે છે. જેથી નર્મદા નિગમ દ્વારા આ વળતરના એવોર્ડ તેમના નામે જાહેર કરાયા છે તેથી હાલના માલિકો કેનાલ માટે જમીન આપતા નથી. તંત્રનો નિયમ છે કે જાહેર થયેલા વળતર અંગે છ માસ સુધી સુધારી શકાય પરંતુ મહેસૂલી તંત્રની ઢીલી નીતિના કારણે રેકર્ડમાં 7/12 હજુ જૂના માલિકોના નામે જ બોલે છે જે સુધારવા જરૂરી છે.છ માસ થઇ જાય તો આ પ્રશ્ન કોર્ટ મારફતે ઉકેલવો પડે જેમાં પણ લાંબો સમય નીકળી ગયો છે જેના કારણે કચ્છીઓની જીવાદોરી નર્મદાનો પ્રશ્ન ટલ્લે ચડયો છે. નર્મદા નિગમે પણ અંગત રસ લઇ ખેડૂતોને વિશ્વાસમાં લઇ રેવન્યૂ ખાતા સાથે સંકલન સાધી રેવેન્યૂ રેકર્ડમાં સુધારા કરાવી વર્તમાન જમીન માલિકોને વળતર મળે તેવા પ્રયાસો હાથ ધરે તો અટકેલા કેનાલના કામો ઝડપથી આગળ વધે તેવો આશાવાદ સમિતિના સભ્યોએ દર્શાવ્યો છે. બાડા ગામે પણ ત્રણ ખેડૂતોનો કેસ ડી.એલ.આર.આઇ. લેવલે અટક્યો છે. જેના ઝડપી ઉકેલ માટે ખેડૂતોને આ કચેરીએ બોલાવયા છે, તો મેરાઉમાં પણ 7/12માં પૂર્વ માલિકોના નામ બોલતાં હોઇ નિગમ દ્વારા એવોર્ડ તેમના નામે જાહેર કર્યા છે. દરમ્યાન સમિતિના સભ્યોએ વધુમાં જણાવ્યું કે, હાલ ભુજ-માંડવી મોટી રાયણ કોડાય વચ્ચેના માર્ગે ક્રોસ કરતી કેનાલ માટે પુલના કામ અટકેલા છે. ખરેખર તો આ કામ ઝડપથી પૂરા થાય તે માટે સંલગ્ન તંત્રો એકબીજામાં સંકલન સાધી પૂરા કરવા જોઇએ. ખાટલા બેઠકોના જારી દોર દરમ્યાન જ્યાં જ્યાં આવા પ્રશ્નો ઊભા થાય છે તેના માટે ખેડૂતોને સમજાવી મૂળ માલિકો પાસે એફિડેવિટ કરાવી વર્તમાન માલિકોને તેનું વળતર મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અગાઉ મુંદરા તાલુકાના જબલપુર, ભુજપુર ખાતે પણ બગાયત ખેડૂતો સાથે બેઠકો યોજી તેમને યોગ્ય વળતર સમિતિ દ્વારા અપાવાયું છે તો મોટી  રાયણમાં પણ ચંદનના બગીચાનું ખેડૂતને નિગમ દ્વારા સારું વળતર અપાયું છે. આ બેઠકો દરમ્યાન નર્મદા નિગમના ડેપ્યુટી ઇજનેર વિજયભાઇ ધનવાણી અને સ્થાનિક એડવોકેટ વલ્લભભાઇ વેલાણી જોડાયા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer