કોઠારામાં તળાવની આવ વચ્ચે પાકી દુકાનો !

કોઠારામાં તળાવની આવ વચ્ચે પાકી દુકાનો !
નલિયા, તા. 9 : અબડાસાના કોઠારા ગામના બે ઐતિહાસિક તળાવોની આવમાં 150 મીટર લંબાઈમાં કાચી-પાકી દુકાનોનું વર્ષોથી નિર્માણ કરાતાં આ દબાણો તળાવોની આવને અવરોધે છે. મહેસૂલી તંત્ર અને તા.પં. દ્વારા ભૂતકાળમાં આ દબાણકારોને હટાવવા નોટિસો તો અપાઈ હતી, પણ ત્યારબાદ તંત્ર પાણીમાં બેસી જતાં આ પ્રશ્ને કોઈ નિવેડો આવ્યો નથી. હવે જ્યારે ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે આવના દબાણોને પ્રાથમિકતા આપી આ પ્રશ્ને નિવેડો લાવવા માગણી કરાઈ છે. આ અંગે કોઠારા ગામના પૂર્વ સરપંચ અને પૂર્વ તા.પં. સદસ્યા સુવર્ણાબેન ચેતનભાઈ રાવલે સત્તાવાળાઓને પત્ર લખી કોઠારાના રાજાશાહી જમાનાના ઐતિહાસિક બે તળાવો વામાસર અને ખુરશીસર તળાવોની એક જ આવમાં 50થી 60 જેટલા દબાણકારોએ કાચી-પાકી દુકાનોનું નિર્માણ કરી આવામાં અડિંગો જમાવ્યો છે. વરસાદનું પ્રમાણ વધુ હોય તો તળાવો તો છલકાઈ જાય છે એન દબાણવાળા દુકાનો ડૂબમાં આવી જાય છે ત્યારે દબાણકારો `અમે ડૂબી રહ્યા છીએ' તેવી રાડારાડ કરતાં તંત્ર હરકતમાં આવે છે. તળાવની આવનું પાણી વધુ વરસાદના કારણે કુદરતી વહેણ બદલી છેક માનપુરા સુધી પહોંચતાં માનપુરા વિસ્તાર વરસાદ દરમ્યાન દર વર્ષે ટાપુમાં ફેરવાઈ જાય છે. આવના દબાણકારો તો બચી જાય છે, પણ કોઠારાનો ઘણો બધો વિસ્તાર પાણીમાં ઘેરાઈ જતાં ગ્રામજનોને અસહ્ય મુશ્કેલી થાય છે. દબાણકારો તળાવની આવમાં પાણી ભરાયેલું હોવાના કારણે પોતાનો માલ-સામાન લઈને દોઢ-બે મહિના આવમાંથી તો હટી જાય છે, પણ કાચી-પાકી દુકાનો આવમાં જ સ્થાયી હોય છે. તંત્ર ભલે આવના દબાણકારો પર રહેમ કરે તેમાં કોઈને વાંધો નથી, પણ એકની સગવડ માટે બીજાને તકલીફ થાય એવું ન ચલાવી લેવાય. ચોમાસા દરમ્યાન કોઠારા તળાવની આવમાં દબાણકારોને અન્યત્ર ખસેડી સરકારી તંત્ર સુસ્તી ઉડાડી પોતાની ફરજ નિભાવે તેવી માગણી સાથે શ્રીમતી રાવલે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer