કિસાનોને ભેટ: ખરીફના ટેકાના ભાવ વધ્યા
નવી દિલ્હી, તા. 9 : લાંબા સમયથી નવા કૃષિ કાયદાઓ રદ કરવાની માંગ સાથે જારી આંદોલન વચ્ચે દેશની સરકારે બુધવારે કિસાનોને ભેટ આપતાં 2021-22 માટે ખરીફ પાકો પર ન્યૂનતમ ટેકાના ભાવ (એમએસપી)માં વધારો કરવા માટે મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારે ખરીફ પાકો પર લઘુતમ ટેકાના ભાવો 50 ટકા સુધી વધારવાનો ફેંસલો કર્યો છે તેવી જાણકારી દેશના કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે આપી હતી. સરકારના આ નિર્ણય બાદ ધાનના કમસેકમ ટેકાના ભાવ વીતેલા વર્ષની તુલનામાં 72 રૂપિયા વધીને 1940 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઇ ગયા છે. એમએસપીમાં સૌથી વધુ તલમાં 452 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરાયો છે. ત્યારબાદ તુવર અને અડદના ટેકાના ભાવમાં 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરાયો છે. દરમ્યાન સરકારના આ ફેંસલા પર પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસે કહ્યું હતું કે, કિસાનોના આંદોલનને સમાપ્ત કરવા માટે નવા ત્રણેય કૃષિ કાયદા રદ કરાય એ જ એકમાત્ર ઉપાય છે. દેશના મુખ્ય વિરોધ પક્ષે આ ત્રણેય કૃષિ કાયદાને વિનાશકારી ગણાવતાં કહ્યું હતું કે, સરકારે પોતાની જિદ્દ છોડી કિસાનોની માંગો માની લેવી જોઇએ. ખાસ ઉલ્લેખનીય છે કે ન્યૂનત્તમ ટેકાના ભાગ એ એ દર છે જેનાથી સરકાર કિસાનો પાસેથી વિવિધ ખેત પેદાશોની ખરીદી કરે છે.