કચ્છનાં વહીવટી તંત્રમાં મોટા ફેરફારના સંકેત

ભુજ, તા. 9 : કોરોનાની બીજી લહેરના આ ત્રણ મહિના સતત તનાવભર્યા રહ્યા હોવાથી રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર ઉપર કામગીરી મોટા ભાગે કોરોનાને લગતી રહી હતી. હવે જ્યારે કેસની સંખ્યા ઘટી છે અને સંક્રમણમાં રાહતના સમાચાર મળી જાય છે. ત્યારે રાજ્ય સ્તરે વહીવટીતંત્રમાં ફેરફાર થવાના એંધાણ મળ્યા છે. આવામાં કચ્છમાં પણ પ્રશાસનના અનેક અધિકારીઓની બદલીઓના ભણકારી વાગી રહ્યા છે.છેલ્લા ત્રણેક મહિનામાં તો જાણે અન્ય કોઈ વહીવટી કામગીરી સદંતર ઠપ રહી હતી. અને એ પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંપન્ન થઈ હોવાથી ચૂંટણી વખતે આવેલી ફરિયાદો સામે કોઈ કાર્યવાહી અટકી ગઈ હતી.પરંતુ હવે વહીવટી તંત્રના જ સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે કચ્છના અમુક અધિકારીઓ સામે ઉઠેલી ફરિયાદો ઉપરાંત અમુકનો સમયગાળો બે કે ત્રણ વર્ષનો થઈ ગયો હોવાથી બદલવાનો સમય પાકી ગયો છે. કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ અટકાવવા અને નિર્દોષ લોકોની જાન બચાવવામાં પ્રશાસન મોટા ભાગે નિષ્ફળ ગયું હોવાની ફરિયાદો હતી.કેવા કેવા બનાવ બન્યા કે કચ્છની એક માત્ર સરકારી ભુજ ખાતેની સિવિલ હોસ્પિટલની સ્થિતિ બેકાબુ બનતા દર્દીઓને દાખલ કરતા અટકાવાયા. અડધી રાત્રે મુખ્ય દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા અને હદ તો ત્યાં થઈ ગઈ કે દરવાજા બંધ કરવાનો નિર્ણય કોણે અને શા માટે લીધો તેની આજ સુધી તપાસ પણ થઈ નહીં.સરકારી જનરલ હોસ્પિટલની હાલત કોરોનામાં અત્યંત બગડી હતી અને તેનું કારણ દર્દીઓની સતત વધતી સંખ્યા હતા.સામાન્ય દર્દીઓને સરકારી હોસ્પિટલમાં જવાની સલાહ આપવામાં આવતી હતી ને કોરોનામાં સપડાયેલા કચ્છના ખુદ મહિલા કલેક્ટર પ્રવીણા ડી.કે. ખાનગી ડોક્ટર સચિન ઠક્કરની હોસ્પિટલમાં દાખલ થયાં હતાં. સરકારી જનરલ હોસ્પિટલમાં પુરતી સગવડ નહીં હોય ત્યારે જ કલેક્ટરને ખાનગી સારવાર લેવી પડી હતી. છેલ્લા ત્રણ મહિના દરમ્યાન એવા તો અનેક કિસ્સા બની ગયા છે કે તંત્ર અને જવાબદાર અધિકારીઓની ભૂમિકા સામે સવાલો ઉઠી રહયા છે.ભુજની ભાડા કચેરીના ભલે કામ થાય કે નહીં કારણ કે મોટાભાગના સ્ટાફને જનરલ હોસ્પિટલમાં બેસાડી રાખવામાં આવ્યા છે અને તેઓ મેડિકલ ક્ષેત્રના અનુભવી ન હોવા છતાં નિર્ણય લેતા હોવાના હેવાલ મળ્યા છે.આ બધું જોતાં કચ્છના કલેક્ટરને બે વરસનો સમય થઈ ગયો છે. તો નિવાસી નાયબ કલેક્ટર અને ભુજ પ્રાંતનો હવાલો સનદી અધિકારી પાસે છે. એવી જ રીતે પુરવઠા અધિકારી સામે ફરિયાદો ઉપરાંત બે વર્ષનો  સમયગાળો જોતાં આ ચારેય જણની બદલી જિલ્લા બહાર થાય તેવા હેવાલ મળ્યા છે.અબડાસા અને ભચાઉના પ્રાંત અધિકારી ઉપરાંત પોલીસના ડી.આઈ.જી.ને પણ બદલવામાં આવે તેવી વિગતો મળી છે. 

© 2022 Saurashtra Trust