કિવીને ઝટકો : આજથી શરૂ થતી બીજી ટેસ્ટમાં કેનનું રમવું શંકાસ્પદ

બર્મિંગહામ, તા.9: ભારત વિરુદ્ધની ડબ્લ્યુટીસીની ફાઇનલ પૂર્વે ન્યૂઝીલેન્ડની ટીમ ગુરુવારથી ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં મેદાને પડશે. એજબેસ્ટનનાં મેદાનમાં રમાનાર આ બીજી ટેસ્ટમાં કિવિઝ ટીમમાં તેના મુખ્ય ઝડપી બોલર ટ્રેંટ બોલ્ટની વાપસી થઈ શકે છે. કિવિઝ પાસે ખતરનાક ઝડપી બોલરોની ફોજ છે. જેમાં ટિમ સાઉધી, ટ્રેંટ બોલ્ટ, નીલ વેગનર અને કાઇલ જેમિસન છે. જેમાંથી બોલ્ટ સિવાયના કોઈ એક બોલરને ફાઇનલ પહેલા વિશ્રામ મળવાની શક્યતા છે. લોર્ડસનાં મેદાન પર રમાયેલી પહેલી ટેસ્ટ ડ્રો રહી હતી. ત્રીજા દિવસની રમત વરસાદમાં ધોવાઈ ગઈ હતી. આથી ન્યૂઝીલેન્ડની ટીમ સંભવિત જીતથી દૂર રહી હતી. યજમાન ઇંગ્લેન્ડની ટીમની નજર બેટિંગ મોરચે સુધારો કરીને આખરી ટેસ્ટ જીતી શ્રેણી 1-0થી કબજે કરવા પર રહેશે. મેચ ગુરુવારથી ભારતીય સમય અનુસાર બપોરે 3-30થી શરૂ થશે. ન્યૂઝીલેન્ડના કોચ ગેરી સ્ટિડે મેચની પૂર્વ સંધ્યા પર કહ્યંy કે તેના બોલરોએ લોર્ડ્સમાં સારી રીતે જવાબદારી નિભાવી, પણ એનો મતલબ એ નથી કે આવતીકાલના મેચમાં પણ તેમને મોકો મળશે. અમે ફાઇનલ પર નજર રાખી રહ્યા છીએ. એવા પણ અહેવાલ છે કે ફિટનેસની સમસ્યાને લીધે કિવિ કપ્તાન કેન વિલિયમ્સનને બીજા ટેસ્ટમાં વિરામ મળી શકે છે. તો ટીમનું સુકાન ટોમ લાથમ સંભાળશે. સ્પિનર મિશેલ સેંટનર બીજી ટેસ્ટની બહાર થઈ ગયો છે.બીજી તરફ ઇંગ્લેન્ડની ટીમ નવોદિત બોલર ઓલિ રોબિન્સનના વિવાદને ભૂલીને મેદાને પડશે. રોબિન્સનને રંગભેદ વિરોધી જૂની ટિપ્પણીના મામલે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. તેના છાંટા અન્ય ઇંગ્લિશ ક્રિકેટરોને પણ પડી શકે છે. ઇંગ્લેન્ડની ચિંતા ટોચના ક્રમના બેટધરોની નિષ્ફળતા છે. બોલિંગમાં ઇંગ્લેન્ડની આશા ફરી અનુભવી જોડી એન્ડરસન-બ્રોડ પર વધુ નિર્ભર રહેશે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer