બાલાસરમાં વીજલાઈનને નડતર ઝાડ કાપતા કર્મચારી પર હુમલો
ગાંધીધામ, તા. 9 :રાપર તાલુકાના બાલાસરગામમાં પ્રિ-મોન્સૂનની કામગીરીકરવા માટે ઝાડ કાપતા પી.જી.વી.સી.એલ.ના કર્મચારી ઉપર ધોકા, ધારિયાથી હુમલો કરાતાં બે શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.બાલાસરમાં પીજીવીસીએલ સહાયક લાઈનમેન અલ્કેશ રામશી મકનશીભાઈ પરમાર અને તેમની ટીમ ગામના તળાવની પાળે ગઈ હતી. આ ટીમ પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત લાઈનનુ મેઈન્ટેનન્સનું કામ કરી રહી હતી જે માટે આ ટીમે અમુક ઝાડ કાપી નાખ્યા હતા. ગઈકાલે સાંજે આ કામગીરી ચાલી રહી હતી ત્યારે ગામના ગેમુભા શિવુભા વાઘેલા અને ગોવુભા બાલુભા વાઘેલા નામના શખ્સો અહીં આવ્યા હતા અને ઝાડવાનું કટિંગ કોને પૂછીને કરો છો તેમ કહી આ ફરિયાદી અલ્કેશ સાથે ગાળાગાળી કરી હતી. અને ધોકા તથા ધારિયા વડે હુમલો કર્યો હતો. જેમાં આ સહાયક લાઈનમેનને લમણા ઉપર તથા ડાબા ખભામાં ઈજાઓ પહોંચી હતી.ફરિયાદીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી આ બંને શખ્સો નાસી ગયા હતા. આ બંને શખ્સો વિરુદ્ધ સરકારી કામમાં ફરજમાં રૂકાવટ સહિતની કલમો તળે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.