લાઈનમાં ક્ષતિ સમયે નર્મદા નીર ભુજ પહોંચે તેવી વૈકલ્પિક વ્યવસ્થા કેમ નહીં ?

ભુજ, તા. 9 : આખાં શહેરનાં પાણી વિતરણનો આધાર જેના પર  રહેલો છે, તે નર્મદાની મુખ્ય કેનાલમાં ભંગાણ કે, શટડાઉન જેવી પરિસ્થિતિમાં અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી સમગ્ર ભુજને તરસ્યા રહેવું પડે છે. સૂત્રનાં જણાવ્યા અનુસાર, ભાજપનું એકચક્રી શાસન હોવા છતાં આ સમસ્યા ઉકેલવા રાજકીય અગ્રણીઓએ માત્ર મિટિંગો સિવાય કોઈ જ નક્કર પગલાં નથી ભર્યાં. જો કે, તાજેતરના સુધરાઈના શાસકોએ મોટા ટાંકા સત્વરે બને તે માટે પ્રયત્નો આદર્યા છે.હાલમાં ઉપરા-ઉપરી ક્ષતિ સર્જાતાં ભુજને છેલ્લા 72 કલાકથી નર્મદાનાં નીર નથી મળી શક્યાં. આઠ-દશ દિવસથી પાણી વિના લોકોની ધીરજ ખૂટતાં ભારે નારાજગી ફેલાઈ છે. આજે તો પોતપોતાના મતદારોને ટેન્કર મારફતે પાણી પહોંચાડવા અનેક નગરસેવકો સમ્પ પર પહોંચી ગયા હતા, પણ આખાં શહેરની માંગને પહોંચી વળવું મુશ્કેલ હોવાથી અફરાતફરી મચી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર નર્મદા લાઈનમાં ક્ષતિ સર્જાય ત્યારે ભુજને પાણી આપી શકાય તેવી કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થા નથી કરાઈ. એમ કહી શકાય કે, નર્મદાનાં નીર પહોંચ્યાં, પણ નર્મદા નિગમ હોય કે પાણી પુરવઠા ખાતું કોઈએ વૈકલ્પિક વ્યવસ્થા અંગે વિચાર્યું જ નથી.ભુજને વર્ષોથી પાણી પ્રશ્ન સતાવી રહ્યો છે, તેમ છતાં સુધરાઈના અગાઉના કોઈ જ શાસકે આ સમસ્યા ઉકેલવા પ્રયત્નો નથી કર્યા. અલબત્ત, હાલમાં જ પદ ગ્રહણ કરનારા શાસકોએ ભુજમાં પાણીસંગ્રહ કરી શકાય તે માટે ચારેક મોટા ટાંકા બનાવવાના પ્રયત્નો તેજ કર્યા છે અને આવનારા સમયમાં પાણી પ્રશ્ન હલ થશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.જો કે, આજે નર્મદાનાં નીર પૂર્વવત્ થઈ જશે અને વિતરણ પણ શરૂ થતાં સમસ્યા હલ થશે તેવી આશા.  

© 2022 Saurashtra Trust