ત્રણ દિ''માં 496 માછીમારી બોટ પરત ફરી

ત્રણ દિ''માં 496 માછીમારી બોટ પરત ફરી
ભુજ/નલિયા, તા 14 : તૌકતે વાવાઝોડાંની સંભવિત ચેતવણીનાં પગલે કચ્છમાં તંત્ર સજ્જ બન્યું છે ત્યારે વાવાઝોડાંની અસર તળે દરિયો તોફાની બનવાની આગાહીનાં પગલે માછીમારી કરવા પર  પ્રતિબંધ મૂકી દેવાયો છે. તો કચ્છમાંથી માછીમારી કરવા માટે ગયેલી બોટોને પરત બોલાવવાની પ્રક્રિયા આરંભી દેવાઇ હતી. જે અંતર્ગત અત્યાર સુધી 185 બોટ પરત ફરી ચૂકી  છે. હજુ 34 બોટ અને 170 માછીમારો દરિયામાં હોવાનું મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરીમાંથી જાણવા મળ્યું છે. 12 નોટિકલ માઇલના વિસ્તારમાં રહેલી બાકીની ફિશિંગ બોટ શનિવારની સાંજ સુધી પરત આવી જશે.દરમ્યાન માછીમારી પર પ્રતિબંધની સૂચનાનું ઉલ્લંઘન કરનાર બોટમાલિક વિરુદ્ધ નિયમોનુસારથી કડક કાર્યવાહી કરી બોટ લાયસન્સ અને ડીઝલ કાર્ડ રદ કરવા સહિતનાં પગલાં ભરવામાં આવશે. 11થી 13 મેના સમયગાળાની વાત કરીએ તો  આ ગાળા દરમ્યાન 496 બોટ પરત ફરી ચૂકી છે. મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક શ્રી ગોહિલ અને સુપ્રિન્ટેન્ડેન્ટ મહેશ દાફડાએ વિગતો આપતાં કહ્યું કે, વાવાઝોડાંની  સંભવિત ચેતવણીનાં પગલે તમામ સ્થિતિ પર સતત નજર રખાઇ રહી છે, હજી દરિયામાં રહેલી બોટના ખલાસીઓ સાથે સતત સંપર્ક કેળવી પરિસ્થિતિનું રાઉન્ડ ધી કલોક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. દરમ્યાન નલિયાથી પ્રતિનિધિના હેવાલ અનુસાર વિખ્યાત જખૌ બંદરે પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવતે માછીમારો સાથે બેઠક કરી શનિવારની સાંજે 7 વાગ્યા સુધી માછીમારોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવા વ્યવસ્થા ગોઠવી હતી. મામલતદાર શ્રી ડામોર, મરિન પી.એસ.આઈ. શ્રી વારોતરિયા, બોટ એસો.ના પ્રમુખ અબ્દુલશા પીરઝાદા પણ જોડાયા હતા. બંદરે હાલ 450થી વધુ માછીમારો છે અને હજુ 28થી વધુ બોટ દરિયામાં છે, જેમાં પણ માછીમારો છે એ તમામને ત્યાંથી સ્થળાંતરિત કરાશે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer