અખાત્રીજ અને ઇદના દિવસે વિક્રમી 126 દર્દી સાજા થયા

અખાત્રીજ અને ઇદના દિવસે વિક્રમી 126 દર્દી સાજા થયા
ભુજ, તા. 14 : કચ્છમાં કોરોનાના કેસમાં ઉતાર-ચડાવના દોર વચ્ચે શુક્રવારે અક્ષયતૃતીયા અને રમજાન ઇદના પવિત્ર દિને વિક્રમી 126 દર્દીઓએ સાજા થઇ કોરોનાને મહાત આપતાં હવે માહામારીનો કોપ થોડો હળવો પડતો હોવાનું રાહતરૂપી આશાનું કિરણ જાગ્યું છે. નવા 170 કેસ નોંધાયા તો વધુ ચારનાં મોત સાથે કુલ મૃતાંક અઢીસોને પાર થઇ ગયો છે. હવે શહેરોની તુલનાએ ગામડામાં કેસ વધવા લાગ્યા હોય તેમ શહર કરતાં સતત બીજા દિવસે ગામડામાં વધુ કેસ દેખાયા હતા. ભુજ શહેરમાં 22 અને તાલુકામાં 12 મળી નવા 34 કેસ નોંધાયા તો તેની સામે 38 દર્દીઓ સાજા થયા હતા. અંજારમાં નવા 22 કેસ સામે 31 દર્દી સાજા થયા હતા. અબડાસામાં 17, ભચાઉમાં 23, ગાંધીધામમાં 20, માંડવીમાં 18, મુંદરા અને રાપરમાં 10, નખત્રાણામાં 16 કેસ નોંધાયા હતા. લખપત તાલુકામાં તંત્રના ચોપડે એકપણ કેસ નોંધાયો નહોતો. જિલ્લામાં કુલ નોંધાયેલા પોઝિટિવ કેસનો આંક 10751 થવા સાથે સાજા થયેલા દર્દીઓની સંખ્યા 6965 પર પહોંચી છે. ચાર મોત સાથે કુલ મૃતાંક 252 થયો છે. સક્રિય કેસ હવે વધીને 3676 થયા છે. જિલ્લાના કોરોના રિકવરી રેટની વાત કરીએ તો ઘણા લાંબા સમય બાદ ગુરુવારની તુલનાએ શુક્રવારે રિકવરી રેટ થોડો ઊંચકાઇ 64.78 ટકાએ પહોંચ્યો છે. હોટસ્પોટમાં ફેરવાઇ ચૂકેલા ભુજમાં ઘણા સમય પછી કેસમાં ઘટાડાના લીધે હવે કોપ થોડો શમે  એવો આશાવાદ જાગ્યો છે. દરમ્યાન, જિલ્લામાં 18થી 44 વર્ષ વયજૂથમાં 870 લોકોને રસી આપવામાં આવી હતી. કુલ રસી લેનારા લોકોની સંખ્યા 2.42 લાખને પાર થઇ છે. - ઓક્સિજન-વેન્ટિલેટરના 482 બેડ ઉપલબ્ધ : જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનવાળા 463 અને વેન્ટિલેટર-બાયપેપવાળા 19 મળી 482 બેડ ઉપલબ્ધ છે. વેન્ટિલેટર-બાયપેપવાળી તમામ પથારી સીએચસી ઢોરીમાં ઉપલબ્ધ છે. 4328ની કુલ ક્ષમતા સામે હાલ 1848 બેડ દર્દીઓ માટે ઉપલબ્ધ દર્શાવાયા છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer