કચ્છમાં સાદગીપૂર્વક રમજાન ઈદની ઉજવણી

કચ્છમાં સાદગીપૂર્વક રમજાન ઈદની ઉજવણી
ભુજ, તા. 14 : શુક્રવારે રમજાન ઈદની સાદગીપૂર્વક અને સરકારની કોરોનાની માર્ગદર્શિકા મુજબ મસ્જિદોમાં મર્યાદિત સંખ્યામાં નમાજ અદા કરી ઉજવણી કરવામાં આવી હતી. અલીફ મસ્જિદ :?જૂની બકાલી કોલોની આત્મારામ સર્કલ પાસે ઈદ ઉલ ફિત્રની નમાજ અને ખુતબો મૌલાના કમરૂદીન હીજાજીએ પઢાવ્યો હતો. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કોરોનાની ગાઈડલાઈનથી ઈદ નમાઝ પઢવામાં આવી હતી. વ્યવસ્થા સલીમબાપુ, તોસીફ અહેમદ, સમા સુલેમાન, અલીમામદ સુમરા, ઈજાજ, અહેમદ સમા, હાજી અબ્દુલગફુર, યાકુબ લુહાર તરફથી કરવામાં આવી હતી.  ગાંધીધામ : જિલ્લા મુસ્લિમ સમાજના આગેવાન હાજી જુમા રાયમાએ મસ્જિદે તયબાહ ખાતે સોશિયલ ડિસ્ટેન્સ સાથે નમાજ અદા કરી હતી. મૌલાના સોકતઅલી અકબરીએ ખુતબો પઢી તમામ ભારતવાસીઓ માટે દુવા કરી આ મહામારી નાબૂદ થાય. દેશમાં અમન, શાંતિ, ભાઈચારો કાયમ રહે તેવી દુવા કરી હતી. કોડાય (તા. માંડવી) ખાતે મૌલાના જાફરે નમાજ અદા કરી હતી. જમાતના પ્રમુખ આધમ સમા, હનીફભાઈ ખત્રી, કાસમ જુણેજા, મજીદ જુણેજા અને અબ્દુલ શેખજાદા સહિત ઉપસ્થિત રહ્યા હતા. મુંદરા : વિવિધ મસ્જિદોમાં મર્યાદિત સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરી હતી. અન્ય બિરાદરોએ પોત પોતાના નિવાસસ્થાને નમાજ અદા કરી બંદગી કરી હતી. આ પ્રસંગે જનસેવાના માધ્યમથી વિવિધ દાતાઓ દ્વારા 87 રાશનકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે જરૂરિયાતમંદ પરિવારોને પહોંચતી કરાઈ હતી. તાલુકાના ગામોમાં પણ સાદાઈથી રમજાન ઈદની ઉજવણી કર્યાના વાવડ મળી રહ્યા છે. સ્વૈચ્છિક લોકડાઉનના કારણે બપોર બાદ સન્નાટો જોવા મળ્યો હતો. નલિયા : અબડાસાના મુખ્ય મથકે ઈદ ઉલ ફિત્ર (રમજાન ઈદ)ની ઉજવણી કોરોનાને પગલે સરકારી ગાઈડ લાઈન મુજબ સાદાઈથી  કરાઈ હતી. મુસ્લિમ ભાઈઓએ ઈદ નમાજ પોતાના ઘરે અદા કરી હતી. મોબાઈલ અને સોશિયલ મીડિયા દ્વારા એક બીજાને ઈદની શુભેચ્છા પાઠવી હતી. નલિયા મુસ્લિમ સમાજના પ્રમુખ અને જિ.પં.ના સદસ્ય તકીશાબાવા સૈયદ મુફતી-એ-કચ્છ અહેમદશા બાવા અને તેમના પુત્ર સૈયદ અનવરશાબાવા જન્નતનશીન થતાં તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. અખિલ કચ્છ કુંભાર જમાતના પ્રમુખ હાજી જુણસ કુંભારે પણ મર્હૂમોને શ્રદ્ધાંજલિ આપી કોરોના મહામારીમાંથી દેશને મુક્તિ મળે તે માટે દુઆ માગી હતી. અબડાસા તાલુકામાં અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિની જાહેર અપીલ મુજબ સમગ્ર સમાજ દ્વારા મુફતી-એ-આઝમ કચ્છ સૈયદ અલ્લામા અલ્હાજ અહમદશાહ બુખારી રહેમતુલ્લાહતઆલા અલૈહ અને તેમના જયેષ્ઠ પુત્ર હાજી અનવરશાહ બાવાસાહેબના હક્ક માટે ખાસ દુઆ ગુજારવામાં આવી હતી. દરેક જમાતમાં ઈદના દિવસે કોરોના વેક્સિન લેવા સમગ્ર સમાજને જાગૃત કરવા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના સંગઠનમંત્રી રજાક હિંગોરાએ જણાવ્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer