ગાંધીધામમાં ડોર-ટુ-ડોર કામગીરીનું ઘરે ઘરે જઇને થયું નિરીક્ષણ

ગાંધીધામમાં ડોર-ટુ-ડોર કામગીરીનું ઘરે ઘરે જઇને થયું નિરીક્ષણ
ગાંધીધામ, તા. 14 : આ શહેર-સંકુલમાં ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરવા પાલિકાએ ખાનગી પેઢીને ઠેકો આપ્યો છે. વરસોથી કરાતી આ કામગીરી બરોબર થાય છે કે કેમ ? કોન્ટ્રાક્ટરનાં વાહનો તમામ વિસ્તારોમાં જાય છે કે કેમ તે માટે પાલિકાના કર્મીઓની 12 ટીમ બનાવી સર્વે કરવામાં આવ્યો હતો. અહીં ચાલતા ડોર-ટુ-ડોર કચરાના કલેક્શનની કામગીરીના નિરીક્ષણ અને તપાસ કરવા માટે પાલિકાના ઉપપ્રમુખ?બળવંતભાઇ ઠક્કરની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સમગ્ર શહેરમાં સર્વે, તપાસ કરવા નિર્ધાર કરવામાં આવ્યો હતો. પાલિકાની બે-બે કર્મચારીઓની 12 ટીમ બનાવવામાં આવી હતી. આ 12 ટીમે અપનાનગર, શક્તિનગર, વોર્ડ 9 બી-ડી વિસ્તાર, લીલાશાહનગર, વોર્ડ 10-એ, સુંદરપુરી વિસ્તાર, સેક્ટર વિસ્તાર વગેરે વિસ્તારોમાં ડોર-ટુ-ડોર કચરા કલેક્શન કરવાનું વાહન નિયમિત આવે છે કે કેમ તેનો ઘરે ઘરે જઇને સર્વે કર્યો હતો. આ જુદી જુદી ટીમોએ 430 ઘરમાં જઇને સર્વે કર્યો હતો. જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા થતી કામગીરી નિયમ મુજબ અને બરોબર થાય છે કે કેમ ? તેની તપાસ કરવામાં આવી હતી. આ સર્વે દરમ્યાન ફરિયાદો મુજબ તપાસ કરી ઠેકેદાર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આગામી સમયમાં શહેરના જનહિતાર્થે આવી અનેક કામગીરીઓનું આયોજન ચૂંટાયેલા પદાધિકારીઓ દ્વારા કરવામાં આવશે તેવો નિર્ધાર કરાયો છે, તેવું પાલિકાના ઉપપ્રમુખ બળવંતભાઇ ઠક્કરે જણાવ્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer