વીરા ગામે મંદિરનો નકૂચો તોડી સમાધિમાં તોડફોડ થતાં ચકચાર

ગાંધીધામ, તા. 14 : અંજાર તાલુકાના વીરા ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલા એક મંદિરના નકૂચા તથા સમાધિમાં તોડફોડ કરનારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. વીરા ગામમાં રહેતા અને સેવા-પૂજા કરતા રાજેશગિરિ નરશીગિરિ ગોસ્વામીએ કંડલા મરિન પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ ગઇકાલે રાત્રે આઠ વાગ્યાથી આજે સવારે 7-30 વાગ્યાના અરસામાં બન્યો હતો. આ પૂજારી ગઇકાલે રાત્રે ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલા આશાપુરા માતાના મંદિરે સેવા-પૂજા કરી પોતાના  ઘરે ગયા હતા અને આજે સવારે તેઓ પૂજા કરવા આવતાં આ બનાવ પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે  વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ મંદિરના દરવાજાની આગળની જાળી ખુલ્લી હતી અને જાળીમાં લાગેલો નકૂચો તૂટેલી હાલતમાં હતો. અલબત્ત મંદિરમાં બધું બરાબર હતું.આ મંદિરની બાજુમાં દશનામ ગોસ્વામી સમાજના મૃત્યુ પામેલા લોકોની સમાધિઓ આવેલી છે. આ સમાધિઓ ઉપર લાગેલાં પગલાં તથા શિવલિંગની મૂર્તિ કોઇ અજાણ્યા શખ્સે તોડી નાખી સમાજની લાગણી દુભાય તેવું કૃત્ય કર્યું હતું. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer