`કાકા''નાં નિધનથી કચ્છનું સામાજિક જીવન રાંક બન્યું

ભુજ, તા. 14 : કચ્છના સર્વાંગી વિકાસના સ્વપ્નદૃષ્ટા, જાણીતા દાનવીર એવા કાકાના હુલામણા નામથી જાણીતા એવા કાંતિસેનભાઈ શ્રોફના નિધનથી કચ્છનું સામાજિક જીવન રાંક બન્યું છે તેવો ભાવ વિવિધ અગ્રણીઓ, સંસ્થા દ્વારા સદ્ગતને શ્રદ્ધાંજલિ અર્પતી વેળાએ વ્યક્ત કરાયો હતો. પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાએ શ્રદ્ધાસુમન અર્પતાં કહ્યું કે, કાકાના નિધનથી કચ્છને ન પુરાય તેવી મોટી ખોટ પડી છે. ઊંડા અભ્યાસુ, દાનવીર અને સંકટ સમયના કચ્છના સાથી એવા પૂ. કાકાના નિધનથી કચ્છનું જાહેર જીવન રંક બન્યું છે. કાંતિસેનભાઈને સતત કચ્છની ચિંતા હોવાનું તેમણે જણાવ્યું હતું. જાણીતા ખગોળશાત્રી ડો. જે. જે. રાવલે કાંતિસેનભાઈને કચ્છના ભિષ્મ પિતામહની ઉપમા આપી તેમણે એક મિત્ર-માર્ગદર્શક, રાહબર ગુમાવ્યાની લાગણી વ્યક્ત કરી સદ્ગત કાકાએ કચ્છમાં ખગોળ વિજ્ઞાન ક્ષેત્રના વિકાસમાંય અંગત રસ લીધાનું જણાવી કચ્છમાં વિજ્ઞાન કેન્દ્ર સ્થાપવાની પ્રેરણા પણ તેમણે આપી હોવાનું જણાવ્યું હતું. કાકાનું ભવ્ય સન્માન કરવાની ઈચ્છા અધૂરી રહ્યાનો વસવસો તેમણે વ્યક્ત કર્યો હતો. કચ્છના શ્રુજનના પ્રણેતા, શ્રેષ્ઠી કાકાના અવસાનથી કચ્છે એક વટવૃક્ષ સમાન માર્ગદર્શક ગુમાવ્યા છે. વિજયરાજજી પુસ્તકાલયના વિકાસમાં પણ કાયમ એમણે રસ બતાવ્યો અને મદદરૂપ બન્યા હતા. પુસ્તકાલયના પ્રમુખ ઉપેન્દ્ર ઉપાધ્યાય, ઉપપ્રમુખ પીયૂષ પટ્ટણી તથા મંત્રી નરેશ અંતાણીએ એમના કાર્યોને યાદ કરી અંજલિ આપી હતી. કચ્છના પૂર્વ બેન્ક કર્મચારી અગ્રણી જગદીશ મહેતાએ ભાવાંજલિ અર્પતાં કહ્યું કે, ગ્રામીણ વિસ્તારની હસ્તકલા-કારીગરી, સંસ્કૃતિના વિકાસમાં તેમનું પાયાનું યોગદાન રહ્યું હતું. તેમના માધ્યમથી હજારો લોકોને રોજગારી પણ મળી છે. આરડીઓ તથા એનાર્ડે પરિવારના પ્રભાત મ્યાત્રાએ શ્રદ્ધાંજલિ અર્પતાં કહ્યું કે, કચ્છની હસ્તકલા, પાણી, સંસ્કૃતિ, દુષ્કાળ વિ. બાબતોમાં જીવનપર્યંત ચિંતિત રહ્યા તેવા સ્વ. પૂ. કાકાના અવસાનથી સામાજિક જીવન રાંક બન્યું છે. સ્વ. કાકાએ સ્થાપિત વિવિધ સંસ્થાઓ વીઆરટીઆઈ, વીઆરડીઆઈ, શ્રુજન, એલએલડીસી, અભિયાન-ભુજ, સેતુ અભિયાન-ભુજ, એગ્રોસેલ વિ. સંસ્થાઓના માધ્યમથી કચ્છની વિકાસવાટને સતત ધમધમતી રાખીએ એ જ સાચી શ્રદ્ધાંજલિ ગણાશે તેવું જણાવ્યું હતું.સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી, મધુભાઈ ત્રિપાઠી, ધારાશાત્રી યોગેશ મહેતા, કચ્છ જિલ્લા માધ્યમિક શિક્ષક સમાજના પૂર્વ પ્રમુખ નયનભાઈ શુક્લ, લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના હેમેન્દ્રભાઈ જણસારી તેમજ નર્મદાબેન ગામોટે પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કચ્છી સાહિત્ય કલા સંઘના પ્રમુખ દિલીપ રાજા કાપડી, સ્થાપક પદ્મશ્રી નારાયણ જોશી `કારાયલ', વિશ્રામ ગઢવી, લહેરીકાંત ગરવા, નવીનચંદ્ર મારૂ, રામજી જોશી, કલાધર મુતવા સહિતના સભ્યોએ શ્રદ્ધાંજલિ અર્પતાં કાંતિસેનભાઈના નિધનથી કચ્છી ભાષાએ પોતાનો હમદર્દ ગુમાવ્યાની લાગણી વ્યક્ત કરી હતી.પૂર્વ ધારાસભ્ય મોહનભાઈ શાહે શ્રદ્ધાંજલિ અર્પતાં જણાવ્યું કે, કચ્છની હસ્તકલા કારીગરીને વિદેશ સુધી પહોંચાડવામાં કાકાનું મોટું યોગદાન હતું. તેમના નિધનથી સમગ્ર કચ્છને ન પુરાય તેવી ખોટ પડી છે. પદ્મશ્રી નારાયણ જોશી `કારાયલ'એ શ્રદ્ધાસુમન અર્પતાં કહ્યું કે, કાંતિસેના શ્રોફ `કાકા' કચ્છ, કચ્છીયત અને કચ્છી ભાષાના દૂરદર્શી શ્રેષ્ઠી હતા. તેમની માતૃભાષા કચ્છી હતી અને તેમને કચ્છી ભાષા પ્રત્યે ઊંડી લાગણી હતી. કચ્છી સાહિત્ય કલા સંઘ અને વીઆરટીઆઈ માંડવી દ્વારા છેલ્લા 20 વર્ષથી યોજાતી કચ્છી જાણ-સુજાણ પરીક્ષાના તેઓ પ્રેરક અને પ્રોત્સાહક હતા. આજપર્યંત લગભગ 70થી 80 હજાર વિદ્યાર્થી સામેલ થઈ ચૂક્યા છે. કચ્છી પાઠાવલિએ પરીક્ષાર્થીને નિ:શુલ્ક આપવામાં આવે છે, તેમાં કાકાનું મુખ્ય યોગદાન હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer