ભંગારના ધમધમતા વાડા કોને માટે આવશ્યક ?

ગાંધીધામ, તા. 14 : કોરોના મહામારીમાં તમામ નાની દુકાનો બંધ હોવાથી નાના વેપારીઓ માટે મરો થયો છે. આવામાં નાના-નાના વેપારી પોતાની દુકાનમાંથી કોઈ સામાન લેવા જાય તો પણ તેના વિરુદ્ધ પોલીસ ગુનો નોંધતી હોય છે. આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ છે. પરંતુ આવશ્યક ચીજવસ્તુઓમાં ન આવવા છતાં પોલીસ માટે આવશ્યક એવા ભંગારના તમામ વાડા આ સંકુલમાં ચાલુ છે, ત્યાં સામાજિક અંતર પણ જળવાતું નથી, પરંતુ આવી જગ્યાએ પોલીસે સમ ખાવા પૂરતો એકેય કેસ કર્યો નથી. કોરોનાકાળમાં આ કાળમુખાનો કોપ વધી જતાં સરકારે અનેક સેવાઓ ઉપર કાપ મૂકી દીધો છે. જિલ્લાના ધમધમતા અને આર્થિક પાટનગર એવા આ શહેર સંકુલમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ છે. આવામાં નાના વેપારીઓની આવક બંધ થઇ જતાં દુકાન, મકાનનાં ભાડાં કેમ ભરવાં અને ઘર કેમ ચલાવવું તે પણ યક્ષ પ્રશ્ન થઇ પડયો છે.તેમ છતાં આ સંકુલમાં અમુક વેપારીઓ પેટીયું રળવા પાછલા દરવાજાથી વેપાર કરી રહ્યા છે. પોલીસ આવા કોઇ પણ લોકોને મૂકતી નથી. અમુક જગ્યાએ સંચાલકો સામે ગુના નોંધાયા છે, તો આદિપુર, ગાંધીધામમાં આજે પણ અમુક મોલ બિન્ધાસ્ત ખુલ્લા છે. જેમાં જરાય સામાજિક અંતર જળવાતું નથી. નાના વેપારીઓ સામે દંડો પછાડનારી પોલીસ અમુક સમયે અમુક વેપારીઓને પકડે?છે ત્યારે લાગવગ અથવા પ્રસાદી મળતી હોવાથી આવા વેપારીઓને મૂકી દેવાય છે. પરંતુ આવશ્યક ચીજ-વસ્તુઓમાં ન આવતા હોવા છતાં આ શહેર, સંકુલમાં તમામ પ્રકારના ભંગારના વાડા શરૂઆતથી બિન્ધાસ્ત ધમધમી રહ્યા છે. આ ભંગારના વાડાઓમાંથી પોલીસને દર મહિને પ્રસાદી મળતી હોવાથી તે પોલીસ માટે આવશ્યક ચીજ-વસ્તુમાં આવે છે માટે તેને ચાલુ રાખવા દેવામાં આવે?છે, તેવી ટીખળ લોકો કરી રહ્યા છે. આવા વાડાઓમાં માલ લેવા કે આપવા આવતા લોકોમાં જરાય સામાજિક અંતર જળવાતું નથી તેમજ આવા વાડાઓમાં કામ કરતા લોકો માસ્ક પણ ન પહેરતા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. શહેરના જી.આઇ.ડી.સી., સુભાષનગર પાસેની જી.આઇ.ડી.સી., આદિપુર જી.આઇ.ડી.સી. વગેરે જગ્યાએ આવેલા આવા વાડા બેફામ ધમધમી રહ્યા છે. આવા વાડાઓના સંચાલકો સામે સમ ખાવા પૂરતો પણ એકેય કેસ થયો હોય તેવું જણાતું નથી. નાના વેપારીઓ અને લોકો સામે દંડો પછાડનાર પોલીસ આવા વાડા પણ બંધ કરાવે તેવી માંગ લોકો કરી રહ્યા છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer