આર્થિક ફટકારૂપ સમયમાં ડીપીટી ખાલી પ્લોટોનું ટ્રાન્સફર ન અટકાવે તેવી માંગ

ગાંધીધામ, તા. 14 : છેલ્લા એક વર્ષથી દેશમાં કોરોના સંક્રમણને પગલે સર્જાયેલી ગંભીર આર્થિક સ્થિતિમાં મોટા ભાગના વેપાર-ઉદ્યોગની સ્થિતિ કથળેલી છે. ગાંધીધામ સંકુલમાં પણ પોતાનો જીવનનિર્વાહ જારી રાખવા ઘણા લોકોને પોતાની મિલકતો વેચવી પડે તેવા સંજોગો છે ત્યારે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ દ્વારા ખાલી પ્લોટોનું ટ્રાન્સફર અટકાવી દેવાતાં મોટી સમસ્યા સર્જાઈ છે તેવું જણાવીને ગાંધીધામ વેપારી મંડળે ટ્રાન્સફર પ્રક્રિયા હાલ તુરત ચાલુ રાખવા અપીલ કરી છે. વેપારી મંડળના પ્રમુખ રાજુભાઈ ચંદનાનીએ ડીપીટી અધ્યક્ષને એક પત્ર લખીને જણાવ્યું છે કે, તાજેતરમાં તો કોરોનાની બીજી લહેરે એવી તીવ્ર   અસર પાડી છે કે બજારમાં માંગ અને પુરવઠાની સ્થિતિ ગંભીર બની છે. છેલ્લા કેટલાય સમયથી ભારતના અર્થતંત્ર ઉપર વૈશ્વિક હરીફાઈ, નાણાની તરલતા, કર માળખાની વિસંગતતા વગેરેને લઈને અવળી અસર પડી છે. આ પડયા ઉપર કોરોના સંક્રમણે પાટુ માર્યું છે. ગાંધીધામ સંકુલમાં પણ ઘણા વેપારીઓને ધંધો બંધ કરવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. આવા વિપરીત સંજોગોમાં પોતાનો જીવનનિર્વાહ ટકાવી રાખવા ઘણા લોકો પાસે પોતાની મિલકત વેચવાનો વિકલ્પ હોય છે. આર્થિક ફટકારૂપ એવા આ સમયે જ ડીપીટીએ ખાલી પ્લોટોનું ટ્રાન્સફર અટકાવતાં મુશ્કેલી સર્જાઈ છે. જો પ્લોટ ટ્રાન્સફર થાય નહીં તો મિલકત વેચી શકાય નહીં. ડીપીટીને વેપારી મંડળે વિનંતી કરી છે કે, ટ્રાન્સફર સંદર્ભે યોગ્ય નિર્ણય કરે અને એ નિર્ણય થાય ત્યાં સુધી એસ.આર.સી. પાસે 6 જાન્યુઆરી સુધી પડતર હોય તેવી ટ્રાન્સફર અરજીઓને મંજૂરી આપે. વેપારી મંડળે આ પત્ર સાંસદ, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ વગેરેને પણ પાઠવ્યો છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer