અનેક રમજાન અને ઇદની ઇબાદતનું ફળ આપું, જો મારા `શેઠ'' પરત આવતા હોય તો !!!

ભુજ, તા. 14 : કોરોનાનો કાળ કપરો ગણાય છે અને જે વ્યક્તિ પોઝિટિવ આવે તેનાથી  સંક્રમણની બીકે સગાસંબંધી પણ તબીબોની સલાહથી ઇચ્છા-અનિચ્છાએ દૂર થઇ જતા હોય છે, પણ ભુજમાં એક ઘટના એવી ઘટી ગઇ કે જેમાં મુસ્લિમ કામદારે રમજાન માસના પવિત્ર રોજાની સાથો સાથ શેઠની એવી ચાકરી કરી કે જોનારા દંગ રહી ગયા... આંખમાં અશ્રુ સાથે એ મુસ્લિમે કચ્છની કોમી એકતાનું સાફ સ્પષ્ટ પ્રદર્શન કરતાં કહ્યું કે, `હકડો ન પણ અનેક રમજાન દઇ દીયાં પણ મુંજે શેઠ કે કીં ન થિણું ખપે..' અર્થાત એક નહીં અનેક રમજાનની ઇબાદતનું ફળ આપવા તૈયાર છું. મારા શેઠને કંઇ ન થવું  જોઇએ....' પણ અફસોસ કે શેઠે આંખો મીંચી ગયા. ભુજના સોનીવાડ, સુમરા ડેલી વચ્ચે આવેલી `હોટલ ગંગારામ'ના માલિક રાજેશભાઇ જેઠી 22મી એપ્રિલે કોરોના પોઝિટિવ આવ્યા એ સાથે તેમને ત્યાં 11 વર્ષથી કાર્યરત સફાઇથી માંડી મેનેજર સહિતની ભૂમિકા ભજવતા મૂળ સુથરીના તુરીયા ઇશાક આમદ અને સાત વર્ષથી ડ્રાઇવર તરીકે સેવારત પરેશ જેઠીએ રાજેશભાઇની જવાબદારી ઉઠાવી લીધી... કોરોનાની બીક તો દૂર, પણ વિચાર સુદ્ધાં નથી આવ્યો કે સંક્રમણ લાગી  શકે, જી. કે. જનરલ હોસ્પિટલ, વાયબલ હોસ્પિટલ, ન્યુ લાઇફ, એકોર્ડ, વચન મહેતા, એક પછી એક તબીબો પાસે આ 37 વર્ષીય તુરીયા ઇશાક શેઠને લઇ ગયો અને એવી સેવા કરી કે જોનારા પણ દંગ રહી ગયા... રાજેશભાઇ જેઠીને પત્ની અને ત્રણ પુત્રી, બે પુત્રી પરણાવેલી. મહિલાઓ કેમ દોડી શકે ? કોઇ દોડનાર નથી એમ પણ ન કહેવાય. 11 વર્ષથી એમનું અન્ન ખાધું છે. ખરા   ટાંકણે મૂકીને કેમ ભાગી જાઉં ? આ શબ્દો છે બે પુત્રી અને સુથરીમાં કોરોના પોઝિટિવ, હોમક્વોરેન્ટાઇન પત્ની ધરાવતા ઇશાકના. શેઠ નેગેટિવ આવ્યા તે સમય દરમ્યાન રમજાનના 12 રોજા રાખી શેઠ પાછળ દોડેલા આ નિષ્ઠાવાન કર્મચારીએ ઇદ માટે સુથરી જવા રજા માગી અને સવારે નીકળી સુથરી પહોંચ્યો ન પહોંચ્યો અને પાછળ બપોરે એક વાગ્યે રાજેશભાઇ જેઠીએ કાયમને માટે ન્યુ લાઇફ હોસ્પિટલમાં આંખો મીંચી લીધી... ઇદ અને પરિવારને સુથરીમાં જ છોડીને ઇશાક સીધો જ ખારી નદી સ્મશાનગૃહે પહોંચ્યો અને પોતાના શેઠનાં હાથ જોડીને અંતિમ દર્શન કરી વિદાય આપી, પુત્રીના હાથે અગ્નિ સંસ્કાર થયા ત્યારે ઉપસ્થિતોમાં ઇશાકની શેઠ પ્રત્યેની સમર્પિતતા, ભય વિના કરેલી ચાકરીની ચર્ચા હતી. જોકે શ્રી જેઠીનાં નિધનથી ભાંગી પડેલા ઇશાક તુરીયાએ અશ્રુસભર આંખે કહ્યું કે, `જો શેઠ હોત તો બારેય માસ ઇદ હોત... અનેક રમજાનની ઇબાદતનું?ફળ આપું જો રાજેશભાઇ પરત આવતા હોય તો... આ છે કચ્છની કોમી એકતા... 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer