ને માંએ રડતાં બાળકને કહ્યું, અબ મૈં નહીં આઉંગી...

ને માંએ રડતાં બાળકને કહ્યું, અબ મૈં નહીં આઉંગી...
ભુજ, તા. 4 : કચ્છમાં કોરોનાના કારણે થતાં મોતના કિસ્સા સાંભળી કચ્છી માણસ કંપી જાય છે. કારણ કે, ક્યાંક તો કોઇના જાણીતા હોય છે જે અચાનક ચાલ્યા જાય છે, પરંતુ ગત રાત્રે 36 વર્ષીય એક પરપ્રાંતીય પરિણીત યુવતી જેમણે રોજગારી માટે ભુજને કર્મભૂમિ બનાવી છે એ મહિલાનો કોરોનાએ  ભોગ લીધો, પરંતુ પાછળ આક્રંદ કરતા બે બાળકોને જનેતાની ખબર પડી તો શબ્દો સાંભળી ગમે તેવા મજબૂત હૃદયવાળી વ્યકિત પણ ગમગીન થઈ જાય તેવી વાત છે. મૂળ ઉત્તરપ્રદેશના ચોરાઇ શહેરના અને છેલ્લા 25 વર્ષથી લલનભાઇ કુશવાહ ભુજમાં આવીને મારબલ ઘસાઇનું કામ કરી રોજીરોટી મેળવે છે. લલનસિંહની પત્ની અનિતાબેન  કુશવાહને શનિવારે કોરોના હોવાની શંકા જતાં ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરી હતી, પરંતુ બે જ દિવસમાં  ગત રાત્રે તેમને જાણ કરવામાં આવી કે, અનિતાબેનનું મૃત્યુ થયું છે. નિયમો પ્રમાણે રાત્રે જ અંતિમવિધિ પૂર્ણ કરીને જે ઓરડીમાં તેઓ રહે છે ત્યાં પોતાની પુત્રી અને પુત્ર પાસે બાળકોની માને લીધા વગર આવ્યા તો બંને બાળકો આક્રંદ કરતા હતા. છેક ઉત્તરપ્રદેશથી પેટિયું રળવા કચ્છમાં સ્થાયી થયેલા આ નાનકડા પરિવારના 11 વર્ષીય દીપકે પોતાની મા ગુમાવ્યાનો વસવસો વ્યકત કરતાં કહ્યું કે, `અંકલ, મૈંને મમ્મી કો ફોન કિયા તો કલ બોલ રહીથી, હું બાથરૂમ કરવા જઇ શકતી નથી ને બેટા હવે હું નહીં આવું... આ શબ્દો મારી માના અંતિમ શબ્દો હતા. હવે અમે ગરીબ માણસ છીએ. અમે કોઇને ઓળખતા નથી.  અનિતાના પતિ લલનભાઇએ જણાવ્યું કે, શનિવારે જ્યારે દાખલ કરી ત્યારે પોતાની રીતે ચાલીને હોસ્પિટલ પહોંચી હતી, હજુ તેનો રિપોર્ટ પણ નથી આવ્યો. હું માનું છું કે, તેને કોરોના જેવું લાગતું હશે પરંતુ શું સારવાર થઇ ?  એ ફોન પર ગભરાઇ ગઇ હતી એવું કહેતી હતી હું બચીશ નહીં. કંઇ મદદની જરૂર હોય તો આસપાસના લોકોએ તૈયારી બતાવી, પરંતુ આ પરિવારે ના પાડીને કહ્યું કે, હવે બસ, બાળકોને લઇ વતનમાં પરત જઇશું. અમારા નસીબમાં જે લખ્યું હશે તે બન્યું. પરિવારનો પેટનો ખાડો પૂરવા છેક યુ.પી.થી અહીં આવ્યા હતા. હમણાં તો અમે જઇએ છીએ. 25 વર્ષમાં કામ મળ્યું, રોટલો મળ્યો.. એમ કહીને હાથ જોડી આંખ ભીની થઇ ગઇ હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer