વાગડનું ઐતિહાસિક ગામ : કીડિયાનગર

વાગડનું ઐતિહાસિક ગામ : કીડિયાનગર
મહાદેવ બારડ દ્વારા-  રાપર, તા. 4 : વાગડ વિસ્તારનું ઐતિહાસિક ગામ એટલે કીડિયાનગર. ગોરેરી નદીના કાંઠે વસેલું ગામ છે. આપણને દૂરથી આઈ વેજબાઈ માતાજીના ડુંગર ઉપર બેસણા છે તે ડુંગર દૂરથી નજરે પડે છે. આ ડુંગર ઉપર મોમલાઓએ પાડાનો ઉપયોગ કરીને ડુંગર ઉપર માલસામાન ચડાવીને ગઢ બંધાવેલો છે એવી લોકવાયકા છે. દર આઠમના કીડિયાનગર ગામ માતાજીનાં દર્શન કરવા જાય છે અને ગામના વેપારીઓ દુકાનો અને ધંધા રોજગાર બંધ રાખે છે. કીડિયાનગર ગામને માતાજી ઉપર અપાર શ્રદ્ધા છે. આઈમાના ઉપાસક અને રાજબાઈ માતાજીનું ઓઢણ જેમની માથે હતું, આઈમા શ્રી લક્ષ્મીમાએ 20/3/2011ના દેહત્યાગ કર્યો, પણ લોકોનાં હૃદયમાં આજે પણ આઈમા છે. આઈ માતાજીના ગામ ઉપર ચાર હાથ હતા. કીડિયાનગરનો ડુંગર ગામની વચ્ચે આવેલો છે અને ચારેબાજુ ગામ આવેલું છે. કીડિયાનગર ગામની સ્થાપના વિશે કેયણાજી નામેરીજી રાજપૂત જણાવે છે કે, કીડિયાનગરને સાડા ચારસો વર્ષ થયાં છે અને કીડિયાનગરનો ઈતિહાસ જણાવતાં કહે છે કે, આ ગામ પહેલાં ખાલી નગર તરીકે ઓળખાતું હતું અને આ નગરની વાતો છેક ભુજ સુધી પહોંચવા લાગી હતી. નગર ઉપર ફતેહમામદ જમાદાર ચડાઈ કરે છે જ્યારે તે સમાચાર નગરમાં વસતા રાજપૂતોને મળે છે ત્યારે હીરાજી મકવાણા શાખનો રાજપૂત ઘોડા ઉપર પલાણ નાખીને નગરથી દૂર ફતેહમામદ જમાદારની સામે જાય છે. જ્યારે હાલમાં જ્યાં પાબુદાદાની જગ્યા છે ત્યાં દળ-કટકની સામે લડે છે અને ફતેહમામદ જમાદાર હાથી ઉપર આવતા હોય છે ત્યારે હીરાજી મકવાણા પોતાના ઘોડાને સામે દોડાવીને હાંથીની હાહડી તલવારના એક જ ઝાટકે ભાંગી નાખે છે એટલે હાલમાં તે જગ્યાને હાહડીધાર તરીકે ઓળખાવવામાં આવે છે. એમ કહેવાય છે કે પછી હીરાજી મકવાણા યુદ્ધમાં કામ આવે છે અને દળ-કટક પાછું જાય છે અને કીડિયાનગરનો આબાદ બચાવ થાય છે. ત્યારબાદ ભુજમાં કીડિયાનગર વિશે કવિઓ દુહા કહે છે કે, કીડિયાનગર કેવું છે : `ખીમળા ખીજવે નહિ' `નગર માંયલો નાગ' `સાતલપર હકા પડે' `ભૂજમાં માંગે ભાગ' કીડિયાનગર ઉપર બીજી વખત ચડાઈ થાય છે ત્યારે એમ કહેવાય છે કે કીડિયાનગરથી થોડે દૂર પડાવ નાખીને દળ-કટક બેઠું હોય છે ત્યારે કીડિયાનગર ડુંગર ઉપર કલો ઘાંચી નામનો માણસ દતેડો નામના હથિયારથી પથ્થર મારે છે, જે દળ-કટકના મેઈન સેનાપતિના ખાટલાના એક પાયાને ભાંગી નાખે છે અને કલો ઘાંચી કહે છે કે, આ વખતે ખાટલાનો એક પાયો ગયો છે. હવે તારું માથું જશે અને આટલી જ વાર થશે, જો ગામ ઉપર ચડાઈ કરી તો. એટલું કહેતાં જ દળ-કટકનો સેનાપતિ વિચારે છે કે, એક માણસ જો એક પથ્થરથી ડુંગર ઉપર બેઠા બેઠા અહીં ખાટલાના પાયાને ભાંગી નાખે તો અહીં કીડિયાનગર ગામના માણસો કેવા હશે એટલે ડરના લીધે દળ-કટક ભાગી જાય છે! અને બીજી વખત પણ કીડિયાનગરનો આબાદ બચાવ થાય છે! કીડિયાનગર ગામમાં ઊંદરિયું નામનો ભયંકર રોગ આવેલો ત્યારે ડુંગર ઉપર બિરાજતાં આઈ વેજબાઈ માતાજીએ ગામને રોગમાંથી મુક્ત કર્યું હતું ! આજે પણ ગામ લોકોને અપાર શ્રદ્ધા છે. એટલે જ કીડિયાનગર વિશે એક દુહો છે : `નગરે નાગ ન નીપજે  કીડિયેનગર હોય' કીડિયાનગરમાં પ્રાથમિક શાળા, જેની સ્થાપના 1930માં થઇ છે તેમજ કન્યાશાળા, માધ્યમિક શાળા તેમજ ગ્રામ પંચાયત તેમજ પોસ્ટ ઓફિસ સહકારી મંડળી આરોગ્ય વિભાગ અંતર્ગત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને બે સબ સેન્ટર આવેલાં છે તેમજ રેલ્વે સ્ટેશન આવેલું છે. કીડિયાનગર ગામમાં મુખ્યત્વે વસ્તી રાજપૂતોની છે તેમજ કોલી, અનુ.જાતિ, રબારી, સુથાર, ગૌસ્વામી, દરજી, દરબાર, મુસ્લિમ, વાળંદ વગેરે બધી જ જ્ઞાતિઓ સંપીને સુખ-શાંતિથી રહે છે અને કીડિયાનગર ગામ માટે દરેક સમાજ ગમે તે કામકાજમાં અગ્રેસર હોય છે. કીડિયાનગરના દુદાજી બેચરાજી પરમાર જેઓએ બે ટર્મ સુધી તાલુકા પંચાયતના પ્રમુખનું પદ સંભાળ્યું છે, જ્યારે તેમના પિતાજી બેચરાજી પરમાર જેઓ પણ જિલ્લા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે. જ્યારે આજે દુદાજી પરમારના પ્રપૌત્ર પણ તાલુકા પંચાયતના સદસ્ય તરીકે અજીતાસિંહ પરમાર કાર્યરત છે, જેમનો પરિવાર ચાર પેઢીથી રાજકારણમાં છે અને રાપર તાલુકાનાં રાજકારણમાં અનેરું સ્થાન ધરાવે છે. સહકારી ક્ષેત્રે પણ બહાદુરાસિંહ પરમાર વર્ષોથી સેવા આપે છે. જેમના પરિવારમાંથી વર્ષો સુધી કીડિયાનગરના સરપંચ પદે રહ્યા છે. હાલે કીડિયાનગર ગામના સરપંચ પદે સામતભાઈ હીરાભાઈ મકવાણા કાર્યરત છે. કીડિયાનગરમાં કુલ બાર વાસ આવેલા છે, જેમાં નવોવાસ, વેરાણીવાસ, પઢારિયાવાસ, વિડિયાવાસ, ખડીવાસ, ચાવડાવાસ, પ્લોટ વિસ્તાર, જાખરિયાવાસ, તળાવવાસ, ગિરનારીનગર, મકવાણાવાસ, પરમારવાસ તેમજ વાડી વિસ્તાર બહુ જ મોટા પ્રમાણમાં આવેલો છે, જે વિવિધ નામથી ઓળખાય છે. લંબરિયા, લાપસિયા, ધોરિયા, સસાધાર, ચોટલિયા, શવલખા, ડાગરા, પાટિયું, ભાડલા, ચકાસરી, ભૂતેશ્વર, ત્રકુંબા!કીડિયાનગરમાં એક ગામ તળાવ આવેલું છે તેમજ એક સીતારામ તળાવ આવેલું છે અને ગામ તળાવમાં અનેક કૂવા આવેલા છે. પહેલાંના સમયમાં ગામ અહીં પાણી ભરવા આવતું હતું, જેમાં એક સ્વામીઓવાળા કૂવા તરીકે ઓળખાય છે, જેનો આગવો ઈતિહાસ છે. એમ કહેવાય છે કે એક વખત સ્વામીઓ વિહાર કરતા કરતા કીડિયાનગર ગામ આવે છે ત્યારે પનિહારીઓ કૂવે પાણી ભરતી હોય છે ત્યારે સ્વામીઓને તરસ લાગેલી હોય છે એટલે પાણી આપવા માટે કહે છે, પણ કોઈ પાણી આપતું નથી એટલે સ્વામીજી શ્રાપ કૂવાને આપે છે કે આ કૂવામાં પાણી તો રહેશે, પણ ધીરે ધીરે પાણી ભેગું થશે અને ડબલે ડબલે ભેગું કરીને ભરાશે અને આજે પણ એ કૂવામાં પાણી ભરવું હોય તો ડબલેથી ધીરે ધીરે ભરી શકાય છે ! કીડિયાનગરમાં શિવ મંદિર, રામ મંદિર, સીતારામ બાપાની મઢી તેમજ બે જૈન દેરાસર આવેલાં છે, જેમાં શાંતિનાથ ભગવાનનું જૈન દેરાસર આવેલું છે, જેની પ્રતિષ્ઠા 12 નવેમ્બર 2017ના કરવામાં આવેલી છે. કીડિયાનગર વાડી વિસ્તારમાં જાબલ માતાજીનું પ્રખ્યાત મંદિર આવેલું છે. મંદિરના ભુવાજી તરીકે કુંભાજી ડાયાજી ચૌહાણ છે. કીડિયાનગરની 2011ની વસ્તી ગણતરી મુજબ 6833 છે તેમજ 1211 ઘર આવેલાં છે, જેમાં પુરુષ 3579 તેમજ સ્ત્રી 3254 છે. કીડિયાનગરનો શિક્ષણ દર 48.32 ટકા છે, જેમાં પુરુષ શિક્ષણ દર 63.12 ટકા છે, જ્યારે સ્ત્રી શિક્ષણ દર 32.12 ટકા છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer