જાણીતા નાટયકલાકાર ડો. ઉમર સમાને કાળમુખો કોરોના ભરખી ગયો

જાણીતા નાટયકલાકાર ડો. ઉમર સમાને કાળમુખો કોરોના ભરખી ગયો
ભુજ, તા. 4 : રંગભૂમિના અચ્છા અદાકાર અને આકાશવાણી ભુજ કેન્દ્રના નિવૃત્ત અધિકારી એવા ડો. ઉમર સમા અને તેમના પત્ની ઝુબેદાબેનનું એક દિવસના અંતરે કોરોનામાં નિધન થતાં કચ્છના કલાકારોમાં ભારે આઘાતની લાગણી ફરી વળી છે. વધુ દુ:ખદ બાબત તો એ છે કે, ગઇકાલે ડો. ઉમરભાઇએ અંતિમ શ્વાસ લીધા અને આજે તેમના પત્ની ઝુબેદાબેન અને તેમના પિતા એટલે કે ડો. સમાના શ્વશુરને પણ કોરોના ભરખી ગયો હતો અને પિતા-પુત્રી બાજુ-બાજુમાં સુપુર્દે ખાક થયા હતા. ડો. ઉમરભાઇનું જીવન અને કારકિર્દી પ્રેરણારૂપ રહ્યા છે. ગરીબીને કારણે અભ્યાસ છોડી પરિવારને મદદરૂપ થવા નાની વયે પંક્ચર સાંધવાનું કામ કર્યું, બાદમાં સંઘર્ષની સાથે બી.કોમ. -એલ.એલ.બી. અને એલ. એલ. એમ. ઉપરાંત વિજાણુ માધ્યમના કાયદામાં પીએચ.ડી. સુધીની પદવી મેળવી હતી અને સાથે સાથે રંગભૂમિના એક અચ્છા કલાકાર તરીકે પણ કાઠું કાઢ્યું. આકાશવાણી ભુજ કેન્દ્રમાં તેમની સેવાઓ થકી ઉત્કૃષ્ટ કાર્યક્રમો રચાયા હતા અને અનેક કલાકારોને તેમણે તક આપી. કચ્છના કલાકારોમાં તેમના નિધનથી શોક ફેલાયો છે. `સપ્તરંગ'ના પ્રમુખ ઝવેરીલાલ સોનેજી, જગદીશ ભટ્ટ, ભગીરથ ધોળકિયા અને રસિક મકવાણાએ તેમને અંજલિ આપી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer