નખત્રાણા સતપંથ સંપ્રદાયના બન્ને મહંતોને મહામંડલેશ્વરની પદવી

નખત્રાણા સતપંથ સંપ્રદાયના બન્ને મહંતોને મહામંડલેશ્વરની પદવી
નખત્રાણા, તા. 4 : ઉત્તરાખંડના હરિદ્વાર ખાતે વૈદિક સતપંથ સનાતન પ્રેરણાપીઠ-પીરાણા દ્વારા આયોજિત પૂ. જનાર્દનહરિજી મહારાજના વ્યાસાસને ચાલતી ગોપીકથા વિરામ પામી હતી. સાથે નિર્મલ પંચાયતી અખાડા દ્વારા છેલ્લું શાહીસ્નાન કરવામાં આવ્યું હતું. આ કથામાં હરિદ્વારના મુખ્ય 13 અખાડા, સાધુ-સંતો-મહંતો, મહામંડલેશ્વર, જગતગુરુ સહિતના ધર્માચાર્યોએ કથાનું રસપાન કર્યું હતું. કથા સમાપન પૂર્વે સવારે નિર્મલ પંચાયત અખાડાના પીઠાધિશ્વર સ્વામી જ્ઞાનદેવસિંહ મહારાજના અધ્યક્ષસ્થાને કચ્છ, નખત્રાણાના બન્ને સતપંથ સંપ્રદાયના મહંત પૂ. જયરામદાસજી અને દિવ્યાનંદનદાસજી મહારાજની શાત્રોકત મંત્રોચ્ચાર સાથે ચાદરવિધિ-તિલકવિધિ કરવાની સાથે મહામંડલેશ્વરની પદવી એનાયત કરવામાં આવી હતી. આ ઉત્સવમાં પ્રેરણાપીઠ, પીરાણાના સંતપંથાચાર્ય જ્ઞાનેશ્વરદાસજી મહારાજ સાથે વિવિધ અખાડા જોડાયા હતા. રાત્રે ગંગા મૈયાની આરતીમાં બહોળી સંખ્યામાં હરિભકતો જોડાયા હતા. આ પ્રસંગે જગન્નાથ ધામના બ્રહ્મલીન હંસાદેવનંદજી મહારાજના કથાના માધ્યમથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની સાથે તેમના નામથી આશ્રમ પાસે ગંગા ઘાટને નામ આપવાની સાથે સરકાર દ્વારા આ ઘાટનો વિકાસ થશે. આ કાર્યક્રમમાં પૂ. જનાર્દનહરિજી મહારાજ, મહંત અરુણાદાસજી, મહંત પ્રેમાનંદ શાત્રી, અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સતપંથ સમાજના પ્રમુખ દેવજીભાઈ ભાવાણી, કરમશીભાઈ પટેલ, હીરાભાઈ ભીમાણી, વેલજીભાઈ પટેલ, ધનસુખભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, વાડીલાલ પટેલ સહિતના કચ્છ-ગુજરાતના સતપંથ સંપ્રદાયના હરિભકતો સરકારી માર્ગદર્શિકા - નિયમો સાથે જોડાયા હતા.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer