બીસીસીઆઇને 2000 કરોડનું નુકસાન

નવી દિલ્હી તા. 4 : આઇપીએલની 14મી સિઝન કોરોના મહામારીને લીધે હાલ બીસીસીઆઇ સ્થગિત કરી દીધી છે, રદ કરી નથી. ક્રિકેટ બોર્ડને આશા છે કે સપ્ટેમ્બર મહિનામાં વર્તમાન આઇપીએલ સિઝનનો પુન:પ્રારંભ થઇ શકે છે. પરંતુ જો કોરોનાની સ્થિતિ સુધરશે નહીં અને આઈપીએલની 14મી સિઝન રદ થશે તો બીસીસીઆઇને અંદાજે 2000 કરોડ રૂપિયાનું નુકસાન થશે તેવા રિપોર્ટ છે. આ ઉપરાંત આ વર્ષે ભારતમાં રમાનાર ટી-20 વર્લ્ડ કપ પર પણ ખતરો મંડરાઇ રહ્યો છે. જો તેનુ યજમાન પદ પણ છીનવાશે તો બીસીસીઆઇને વધુ કરોડોનું નુકસાન વેઠવું પડશે. એવું જાણવા મળે છે કે આ વખતની સિઝન પણ બીસીસીઆઇ પહેલા યૂએઇમાં આયોજિત કરવા માંગતી હતી, પણ ટી-20 વિશ્વ કપનું આયોજન કોરોનાની સ્થિતિમાં ભારતમાં કરી શકાય છે તે ખાતરી આપવા બીસીસીઆઇએ આઇપીએલને ભારતમાં રમાડવાનો જુગાર ખેલ્યો હતો. જો કે હવે આઇપીએલની સિઝન પણ અટકી ગઇ છે અને ટી-20 વર્લ્ડ કપનું યજમાન પદ પણ છીનવાય તેવી સ્થિતિ સર્જાઇ છે. આઇપીએલ બીસીસીઆઇ માટે સોનાની મુરઘી છે. તેનાથી તેને કરોડોનો ફાયદો થાય છે. સરકારને પણ અઢળક ટેકસ મળે છે. બીસીસીઆઇએ 2007-08 બાદથી 3પ00 કરોડ રૂપિયા ટેકસના રૂપમાં આપ્યા છે. આઇપીએલ પૂર્વે બીસીસીઆઇ એક સામાન્ય ક્રિકેટ સંઘ સમજાવામાં આવતું હતું, પણ હવે બીસીસીઆઇને આ લીગથી આશરે પ0 ટકા કમાણી થઇ  રહી છે. એક રિપોર્ટ અનુસાર વર્લ્ડ ક્રિકેટની ઇકોનોમી લગભગ 1પ હજાર કરોડની છે. જેમાંથી 33 ટકા એટલે કે પ હજાર કરોડ રૂપિયા આઇપીએલમાંથી આવી છે. આના લીધે જ બીજા દેશના ક્રિકેટ બોર્ડ આઇપીએલ દરમિયાન બીસીસીઆઇને સહયોગ કરે છે. કોરોના મહામારીને લીધે અનેક દ્વિપક્ષી શ્રેણીઓ રદ થઇ છે, પણ દેશ-વિદેશના ખેલાડીઓ આઇપીએલ રમવા હોંશે હોંશે આવે છે. કારણ કે અહીં લખલૂટ કમાણી છે. 2019માં આઇપીએલની વેલ્યૂ લગભગ 47 હજાર કરોડ આંકવામાં આવી હતી. પાછલી સિઝન જે યૂએઇમાં રમાઇ હતી. તેમાંથી બીસીસીઆઇને 4000 કરોડ રૂપિયાની કમાણી થઇ હતી. જો આ વર્ષે લીગ સફળતાપૂર્વક સમાપ્ત થઇ હોત તો આવી જ કમાણીની આશા હતી. આ વખતે અડઘી ટૂર્નામેન્ટ રદ થશે તો બોર્ડને 2000 કરોડનું નુકસાન સહન કરવું પડશે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer