કચ્છનો કોરોના રિકવરી રેટ સૌથી નીચી સપાટીએ પહોંચ્યો

ભુજ, તા. 4 : કોરોનાની બીજી લહેરે કચ્છમાં કાળો કેર વર્તાવ્યો હોય તેમ કોરોના કાળના એક વર્ષમાં જેટલા મોત ન થયા હોય અને જેટલા કેસ નોંધાયા ન હોય તેટલા કેસ અને મોત આ એક માસના સમયગાળામાં નોંધાવવા પામ્યા છે ત્યારે એક માસના ગાળામાં કચ્છમાં કોરોનાથી સાજા થવાના દરમાં 26 ટકાનો મોટો ઘટાડો થયો છે, તો સક્રિય કેસની ટકાવારીમાં 27 ટકાનો મોટો ઉછાળો આવ્યો છે. હજુય કોરોના સંક્રમણની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડાનો દોર જોવા ન મળ્યો હોવાના લીધે હજુય રિકવરી રેટમાં સતત ઘટાડો થવાનું જારી રહેશે તેવું પ્રવર્તમાન સ્થિતિ જોતાં લાગી રહ્યું છે. હાલમાં નોંધાતો કચ્છનો કોરોના રિકવરી રેટ?અત્યાર સુધીની વિક્રમી નીચી સપાટીએ પહોંચ્યો છે. 31 માર્ચના દિવસે જિલ્લાનો કોરોના રિકવરી રેટ 94.06 ટકા હતો જ્યારે સક્રિય કેસ માત્ર?3.70 ટકા હતા પણ એપ્રિલના આરંભે રોજેરોજ તૂટતા વિક્રમો વચ્ચે કોરોના કેસના આંકમાં ચિંતાજનક ઉછાળો આવતાં હવે સ્થિતિ સાવ જ પલ્ટાઇ?ગઇ?હોય તેમ રિકવરી રેટ 26 ટકા ઘટીને હવે 68.16 ટકાએ પહોંચી ગયો છે જ્યારે સક્રિય કેસો 27 ટકા વધીને 30.54 ટકાએ પહોંચ્યા છે. ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં જ્યારે કોરોના પીક પર હતો ત્યારે રિકવરી રેટ?75 ટકા આસપાસ રહેતો હતો પણ એપ્રિલ માસમાં 750 ટકાના વધારા સાથે એક જ માસમાં 3100થી વધુ કેસ નોંધાતાં બિહામણી બનેલી સ્થિતિ વચ્ચે કોરોનાથી સાજા થવાના દરમાં મોટું ગાબડું પડવા સાથે તે 13 માસથી ચાલતા કોરોનાકાળમાં અત્યાર સુધીની સર્વાધિક નીચી સપાટીએ પહોંચ્યો છે. બીજી લહેરમાં કોરોનાનો સ્ટ્રેન અતિ જોખમી રીતે લોકોને પોતાની ઝપટમાં લઇ રહ્યો છે તેવામાં રિકવરી રેટમાં પડેલા ગાબડાંની કળ વળતાં હજુ ખાસ્સો એવો સમય લાગશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer