ગાંધીધામમાં રિલાયન્સ મોલ ખુલ્લો જણાતાં બે સામે ગુનો

ગાંધીધામ, તા.4 : કોરોના મહામારીના પગલે આવશ્યક ચીજવસ્તુમાં ન આવતી હોય તેવી તમામ પ્રકારની દુકાનો, મોલ બંધ રાખવા સરકારે આદેશ આપ્યો હોવા છતાં આ સંકુલમાં આવી અમુક દુકાનો, મોલ, ચાની દુકાનો ખુલ્લી રહે છે. શહેરના બેન્કિંગ સર્કલ નજીક આવેલો એક મોલ ખુલ્લો જણાતાં તેના બે સંચાલકો વિરૂધ્ધ પોલીસે ગુન્હો દાખલ કર્યો હતો.  આ શહેર સંકુલમાં આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો સિવાય અન્ય દુકાનો, મોલ બંધ રાખવા સરકારે આદેશ આપ્યો છે. છતાં પણ અહીં લગભગ બધું બંધ હોતું નથી. અહીં ખૂણે ખાંચરે આવેલી ચાની અમુક દુકાનો ખુલ્લી જણાય છે તો આદિપુરમાં શહેરી આરોગ્ય કેન્દ્ર નજીક અને બગીચા પાછળ આવેલો મોલ અને ગાંધીધામના ભાઈપ્રતાપ સર્કલ નજીક આવેલો મોલ પણ ચાલુ હોવાનું જણાયું હતું. આ સાથે અમુક અન્ય દુકાનો પણ ચાલુ હોવાનું નજરે પડે છે. આવા દુકાનદારો પોલીસની ઝપટે ચડે તો તેમના વિરૂધ્ધ ગુન્હા પણ નોંધવામાં આવે છે. શહેરના બેન્કિંગ સર્કલ નજીક ગઈકાલે સાંજે સ્થાનિક પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યાર આવશ્યક ચીજવસ્તુઓમાં ન આવતો રિલાયન્સ સ્માર્ટ મોલ ચાલુ હોવાનું બહાર આવ્યું હતું. આ મોલના સંચાલક મનોજ મહેન્દ્રપ્રસાદ ઝા અને દિવ્યાંશ રાકેશ યાદવ વિરૂધ્ધ પોલીસે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer