રામબાગમાં આરટીપીસીઆર ટેસ્ટિંગ સુવિધા શરૂ

ગાંધીધામ, તા. 4 : કોરોના સંક્રમણ અંગે પરીક્ષણ કરવાની મશીનરી રામબાગ આવી જતાં અને સ્ટાફની નિમણૂક પણ થઇ જતાં હવે આર.ટી.પી.સી.આર.નું પરીક્ષણ અહીંયા જ કરવામાં આવશે. કોરોના રીપોર્ટ અંગે લોકોને વધુ રાહ નહીં જોવી પડે તેવું જાણવા મળ્યું હતું. અહીંની રામબાગ હોસ્પિટલ, આદિપુરના શહેરી આરોગ્ય કેન્દ્ર, શહેર તાલુકાના સબ સેન્ટરોમાં કોરોના પરીક્ષણ અંગે રેપિડ અને આર.ટી.પી. સી.આર. ટેસ્ટ કરાતા હતા. જે પૈકી પી.સી.આર.ના લેવાયેલા નમૂના ભુજ ખાતે મોકલવામાં આવતા હતા. ભુજમાં સમગ્ર જિલ્લામાંથી કોરોના અંગેના નમુના આવતા હોવાથી પરીક્ષણનો રીપોર્ટ આવતા સમય લાગતો હતો. હવે અહીં રામબાગ હોસ્પિટલમાં આર.ટી.પી. સી.આર. ટેસ્ટીંગ અંગેની તમામ મશીનરી આવી ગઇ છે. તથા એક માઇક્રો બાયોલોજીસ્ટ, ત્રણ લેબ ટેકનિશિયન પણ ફરજ ઉપર છે. રામબાગના પાંચ રૂમમાં આ લેબ તૈયાર કરવામાં આવી રહી છે. એ.સી. વાયરીંગ વગેરેનું કામ થઇ ગયું હોવાનું સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળ્યું હતું. આ તમામ કામગીરી પૂર્ણ થયા બાદ એક અથવા બે દિવસમાં અહીં કોરોના ટેસ્ટીંગ લેબ કાર્યરત કરવામાં આવશે. અહીં આવેલી આ મશીનરી દ્વારા દરરોજ 96 જેટલા ટેસ્ટીંગ કરવામાં આવશે. તેવું પણ જાણવા મળ્યું હતું. અહીં આ સુવિધા ઊભી કરાતા દર્દીઓને કોરોના રીપોર્ટ અંગે હવે વધુ રાહ નહીં જોવી પડે તેવું બહાર આવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer