લાકડિયા પાસે મેડિકલ વેસ્ટ બાળવામાં આવતાં મોટી ચિંતા

ભચાઉ, તા. 4 : તાલુકાનાં લાકડિયા ગામે પ0થી પપ મોત બાદ દરરોજ એક-બે મરણનો સિલસિલો ચાલુ જ છે ત્યારે આધારભૂત વર્તુળોના નિર્દેશ મુજબ આ ગામ અને આસપાસના ગામ સાથે વાગડ પંથકમાં મોટાભાગનો મેડિકલ વેસ્ટ અહીં બાળવામાં આવી રહ્યો છે. તેથી આવનારા દિવસોમાં બીમારી વિકરાળ સ્વરૂપ ધારણ કરે એવી ભીતિ સેવાઈ રહી છે.રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રદેશ અગ્રણી નીલ વિંઝોડાએ આપેલી વિગતો મુજબ અહીં જો કોવિડ કચરાનો નિકાલ કરવામાં આવશે કે ખાડામાં દાટવામાં આવશે જેનું પાણી વરસાદમાં તળાવોમાં ભરાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. શત્રક્રિયા બાદ કેટલાક માનવઅંગો, પગના હાડકાં જેવા હિસ્સા પણ બાળવામાં આવે છે. થોડા માસ અગાઉ મરકયુરી પારાનો નિકાલ પણ અહીં કરવામાં આવ્યો હતો. લાકડિયાની આ કચરા કંપનીમાં પર્યાવરણ મંજૂરી, ગ્રીનબેલ્ટનું પાલન નથી થતું. ગાઈડલાઈન મુજબનું કામ થતું નથી. અગાઉ આ કંપનીને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આ પ્રકારની ગ્રામ્ય સ્તરે દાખવવામાં આવતી બેદરકારી ભવિષ્યમાં મોટી મુશ્કેલી પેદા કરી શકે છે અને બીમારીને નાથવાને બદલે મોટું સ્વરૂપ ધારણ કરે તેવું જાણકારાએ જણાવ્યું હતું. ખાનગી એકમો દ્વારા નિયમોના કરવામાં આવતા ઉલ્લંઘન સામે સાવચેતી રખાય અથવા તો જરૂરી પગલાં લેવાની માંગ ઊઠી હતી.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer