સમાઘોઘાના માજી સરપંચની ચાર્જશીટ પછીની જામીન અરજી પણ નામંજૂર

ભુજ, તા. 4 : મુંદરા પોલીસ મથકમાં બનેલા ભારે ચકચારી એવા કસ્ટોડીયલ ડેથના મામલામાં સમાઘોઘા ગામના માજી સરપંચ જયવિરાસિંહ વિક્રમાસિંહ જાડેજાની ચાર્જશીટ પછીની નિયમિત જામીન અરજી પણ જિલ્લા અદાલત દ્વારા નામંજુર કરાતા આ રાજકીય માથાને વધુ એક કાનૂની પછડાટ ખાવી પડી છે. અત્રેના આઠમાં અધિક સેશન્સ જજ સમક્ષ આરોપી જયવિરાસિંહ જાડેજા માટે ચાર્જશીટ બાદની આ નિયમિત જામીન અરજી મુકાઇ હતી. પોતાને રાજકીય રીતે ખોટો ફસાવાયો હોવાનો અને પોતે નિર્દોષ છે તથા પોતાની સામે કોઇ પુરાવા નથી તેવા કારણો આગળ ધરીને જામીનની માગણી કરાઇ હતી. જેની સામે સરકાર અને ફરિયાદી પક્ષ દ્વારા આરોપીનું બનાવ દરમ્યાન પોલીસ મથકમાં આવવું, ડી. સ્ટાફના માણસોને રૂબરૂ મળવું અને ભોગ બનનાર યુવાનોને માર મારવાની ભૂમિકા વિશે રજુઆત કરાઇ હતી. સાથેસાથે જે જમીનનો વિવાદ કારણભૂત મનાય છે તે જમીનનું 2016માં પોતાના નામે પાવરનામું બનાવવાના અને બીજા જ દિવસે જમીન વેંચી નાખવામાં અને કબ્જો પોતાની પાસે હોવાની ખોટી હકીકતો રજુ કરવામાં આવી હોવાની રજુઆત-દલીલ પુરાવા સાથે કરી આ સમગ્ર કિસ્સો જમીન હડપ કરવા માટેનો હોવાનું જણાવાયું હતું. ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલો સાંભળી, આધાર- પુરાવા તપાસી આ ગુનો ગંભીર હોવાનું અને તેમાં આરોપીની સક્રિય ભૂમિકા હોવાનું તારણ આપીને ગુણદોષના આધારે માજી સરપંચની જામીન અરજી નામંજુર કરતો ચુકાદો આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સમાઘોઘા ગામના માજી સરપંચ જયવિરાસિંહ માટે પહેલા જિલ્લા અદાલતમાં આગોતરા મંગાયા હતા. જેને નામંજુર કરાયા હતા. આ પછી હાઇકોર્ટ સમક્ષ આગોતરા મંગાયા હતા જેની સુનાવણી પુરી થાય તે પહેલા તેને લોનાવાલાથી પકડી લેવાતા આ અરજી પાછી ખેંચાઇ હતી. આ પછી ચાર્જશીટ પહેલા જિલ્લા અદાલત સમક્ષ નિયમિત જામીન અરજી રદ કરાઇ હતી. તો હાઇકોર્ટમાં ચાર્જશીટ પૂર્વે નિયમિત જામીન માટે થયેલી અરજી પણ પરત ખેંચી લેવાઇ હતી. આ પછી કેસના 10 પૈકીના સાત આરોપી સામે આરોપનામું પેશ થઇ ચૂકયા પછી ફરી આ નિયમિત જામીન અરજી મુકાઇ હતી. જેને પણ ઠુકરાવી દેવાતા માજી સરપંચ માટે કાનૂની રીતે વધુ એક પીછેહટ થઇ હતી. જામીન અરજીની સુનાવણીમાં સરકાર વતી જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કે.સી. ગોસ્વામી તથા ફરિયાદ પક્ષે અત્રેના વરિષ્ઠ ધારાશાત્રી દેવરાજભાઇ વી. ગઢવી સાથે વાય.વી. વોરા, એ.એન. મહેતા, આર.એસ. ગઢવી, ડી.એન. બારોટ, એચ.કે. ગઢવી તથા ગઢવી-ચારણ સમાજના ભુજના તમામ ધારાશાત્રીઓ હાજર રહયા હતા.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer