ગાંધીધામ સંકુલ સંપૂર્ણ લોકડાઉનની અફવાથી દૂર છતાં સુરક્ષિત રહે

ગાંધીધામ, તા. 4 : એપ્રિલ મહિનાની શરૂઆતમાં કોરોના પોઝિટિવ કેસોમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. આ સંક્રમણની સાંકળને તોડવા આ સંકુલમાં 5/5સુધી દુકાનો, મોલ, ધંધા બંધ રાખવા આપેલા હુકમથી  આ પરિસ્થિતિ હવે સુધરશે તેવી આશા છે.  આ સંકુલમાં સરકાર દ્વારા સંપૂર્ણપણે લોકડાઉન લાદવામાં આવશે તેવી લોકોમાં અફવા ફેલાઈ છે, જેનાથી સંકુલમાં ચિંતા અને ઉચાટ પ્રસર્યો છે.  ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ અનિલકુમાર જૈને સંકુલના લોકોને આવી ખોટી અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી. આવી વિકટ પરિસ્થિતિમાં વહીવટી તંત્ર દ્વારા આરોગ્યની તમામ સેવાઓ સુદૃઢ કરવા ત્વરિત પગલાં લેવામાં આવી રહ્યા છે, ત્યારે આવી અફવાઓમાં ન આવી સૌની વ્યકિતગત સલામતી લઈ સુરક્ષિત રહેવા જણાવાયું હતું. આ સંકુલમાં કાર્યરત બંને મહાબંદરો, કાસેઝ, ટ્રાન્સપોર્ટ, ટિમ્બર, શિપિંગ તથા તમામ ધંધા- રોજગાર સાથે સંકળાયેલા કામદારો, ડ્રાઈવરોને સંપૂર્ણ લોકડાઉનની અફવાથી દૂર રહેવા અપીલ કરાઈ છે તેવું ચેમ્બરના માનદમંત્રી મહેશ તીર્થાણીની એક યાદીમાં જણાવાયું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer