કોરોનાથી સાજા થયેલા તબીબે એક મહિનો નિ:શુલ્ક સારવાર આપવા લીધો નિર્ણય

રાપર, તા. 4 : કોરોના મહામારીમાં અનેક તબીબો સંક્રમિત થયા છે. તાજેતરમાં રાપરના તબીબનો સમગ્ર પરિવાર  સંક્રમિત થયો હતો. તબીબે સાજા થયા બાદ  અમુક સમય સુધી  નિ:શુલ્ક સારવાર આપવાની નેમ લીધી હતી તે પુરી કરી છે. શહેરના સલારી નાકા ખાતે હોસ્પિટલ ધરાવતા બાળરોગ નિષ્ણાત ડો. રાહુલ પ્રસાદ, ત્રી રોગ નિષ્ણાત તેમના પત્ની ડે. પ્રતિમા અને  તેમનાં બાળકો તાજેતરમાં સંક્રમિત થયાં હતાં. રસીના બે ડોઝ લીધા હોવાના કારણે વધુ કોઈ તકલીફ પડી ન હતી અને 14 દિવસ સુધી ઘરે જ સારવાર લઈ સમગ્ર પરિવારે કોરોનાને પરાજીત કર્યો હતો. જો કે તેમણે સાજા થઈ ગયા બાદ અમુક સમય સુધી દર્દીઓની નિ:શુલ્ક સારવાર કરવાની નેમ વ્યકત કરી હતી.  આ નેમ મુજબ હાલ તેઓ બાળરોગના તમામ દર્દીઓની કોઈ પણ ફી લીધા વિના સારવાર કરી રહ્યા છે અને આગામી 30 મે સુધી આ મુજબ જ દર્દીઓની સેવા કરવાની નેમ તેમણે વ્યક્ત કરી હતી. આ ઉપરાંત લોહીના રીપોર્ટમાં  પણ 60 ટકા જેટલી રાહત આપવામાં આવતી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ સેવાના નિર્ણયથી તાલુકાના ગરીબ દર્દીઓને કોરોના કાળમાં  રાહત  મળી છે. તેમણે બાળકોમાં હજુ પણ સંક્રમણના લક્ષણો દેખાતા હોવાનું જણાવી લોકો રેપીડ કે આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરાવવામાં ઉદાસીન હોવાનું જણાવી તે બાબતે ચિંતા વ્યકત કરી હતી.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer