કર્ણાટકમાં ઓક્સિજન વિના 24 મોત

બેંગ્લોર, તા. 3 : દેશભરમાં ઓક્સિજનની અછતનું સંકટ ગંભીર હદે વકરવા માંડ્યું છે. દિલ્હી, આંધ્રપ્રદેશમાં દર્દીઓને આ સંકટ ભરખી જવાના કિસ્સાઓ બાદ હવે કર્ણાટકમાં પણ 24 મોત થયાં છે. રાજ્યના ચામરાજનગર જિલ્લાની હોસ્પિટલમાં `જીવન રક્ષક' વાયુ સમય પર નહીં મળવાથી છેલ્લા 24 કલાક દરમ્યાન 24 દર્દીએ દમ તોડ્યો હતો. આ ઘટનાને ગંભીરતાથી ધ્યાને લેતાં કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાએ કલેકટર સાથે વાત કરી હતી. તેમણે આવતીકાલે મંગળવારે ઓકિસજનની અછતથી મોતના મુદ્દે તાકીદની બેઠક બોલાવી હોવાની જાણકારી આપી હતી. ઘણા દર્દી વેન્ટિલેટર ઉપર હતા. અચાનક ઓક્સિજન સપ્લાયમાં અડચણ આવી હતી અને દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટના બાદ મૃતકોના પરિજનોમાં હડકંપ મચ્યો હતો અને હંગામો કર્યો હતો. આ દરમિયાન સ્થળ ઉપર ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા અને લોકોને શાંત કરાવ્યા હતા. અધિકારીઓએ ઘટનાની તપાસના આદેશ પણ આપ્યા છે. જિલ્લા પ્રભારી મંત્રી સુરેશ કુમાર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું અને કહ્યું હતું કે ડેથ ઓડિટ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. અહેવાલ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. કલબુર્ગીની કેબીએન હોસ્પિટલમાં પણ શનિવારે કોરોનાના ચાર દર્દીના ઓક્સિજનની કમીથી મૃત્યુ થયાં હતાં જ્યારે વીજળી જવાથી સરકારી હોસ્પિટલમાં એક દર્દીનું મૃત્યુ થયું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer