આઈપીએલ સુધી પહોંચ્યો કોરોનાનો સકંજો

નવી દિલ્હી, તા.3 : દુનિયાની સૌથી મોંઘી અને લોકપ્રિય ક્રિકેટ લીગ આઇપીએલ પણ કોરોના મહામારીને ઝપટે ચડી છે. કોલકતા નાઇટ રાઇડર્સના બે ખેલાડી અને ચેન્નાઇ સુપર કિંગ્સના ત્રણ સદસ્ય કોવિડ-19 પોઝિટિવ જાહેર થયા છે. આથી આઇપીએલ-2021ની સિઝનનું આયોજન અધવચ્ચે અટકી જાય તેવી સ્થિતિ સર્જાઇ છે. જો કે હાલ ફકત આજે સોમવારે અમદાવાદમાં રમાનાર કેકેઆર અને આરસીબી વચ્ચેની મેચ સ્થગિત કરવામાં આવી છે, જે બાદમાં રમાશે. બીજીતરફ ચેન્નાઈ સુપર કિંગના ત્રણ સભ્ય પણ કોરોનામાં સપડાયા છે. રિપોર્ટ અનુસાર કોલકતા નાઇટ રાઇડર્સના ઘણા ખેલાડી બિમાર પડી ગયા છે. આ પછી ખેલાડીઓ અને સ્ટાફ આઇસોલેશનમાં ચાલ્યો ગયો છે. બે ખેલાડી મિસ્ટ્રી સ્પિનર વરૂણ  ચક્રવર્તી અને મીડીયમ પેસર સંદિપ વોરયિરના કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ ઘટનાને લીધે આઇપીએલના સુરક્ષિત બાયો બબલ પર પણ સવાલ ઉઠયા છે. આ ઉપરાંત જે ટીમો પાછલા કેટલાક દિવસોમાં કેકેઆર વિરૂધ્ધ રમી છે તેમની સ્વાસ્થ્ય સુરક્ષા પણ શંકાના ઘેરામાં આવી ગઇ છે. એવું જાણવા મળે છે કે વરૂણ ચક્રવર્તી તાજેતરમાં જ બાયો બબલમાંથી બહાર નીકળ્યો હતો. તે પોતાના ખભાનું સ્કેન કરાવવા હોસ્પિટલમાં ગયો હતો, કદાચ ત્યારે જ તે સંક્રમિત થયો છે. જો કે રાહતની વાત એ છે કે વરૂણ અને સંદિપ સિવાયના કોલકતાના બાકીના ખેલાડીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. રિપોર્ટ અનુસાર જે ખેલાડીઓ હાલ બિમાર છે તેમાં ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર પેટ કમિન્સ પણ છે. આઇપીએલ તરફથી આજે જાહેર થયેલ વિજ્ઞપ્તિ અનુસાર સંક્રમિત બન્ને ખેલાડીઓને કવોરન્ટાઇન કરાયા છે. ટીમના દરેક ખેલાડીઓની હવે રોજીંદી તબીબી તપાસ થશે. ટીમના સંપર્કમાં પાછલા 48 કલાકમાં જેટલા લોકો પણ આવ્યા હશે તેમના કોવિડ ટેસ્ટ કરાશે. આથી આજની (સોમવાર) કોલકતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ મુલતવી રાખવામાં આવી છે. આઇપીએલનો બાકીનો કાર્યક્રમ યથાવત રહેશે. કોલકતાની ટીમે તેની છેલ્લી મેચ 29 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામે રમી હતી. ચેન્નાઇ સુપર કિંગ્સના ત્રણ સદસ્ય પણ કોરોના પોઝિટિવ જાહેર થયા છે. જેમાં સીઇઓ કાશી વિશ્વનાથન, બોલિંગ કોચ અને પૂર્વ ખેલાડી લક્ષ્મીપતિ બાલાજી અને એક બસ ક્લીનર સામેલ છે. એવી ખબર છે કે સીએસકેના તમામ ખેલાડીઓ અને બાકીના સદસ્ય નેગેટિવ છે. જો કે આ પછી આજે સાંજે એવા સમાચાર આવ્યા છે કે સીએસકેના આ ત્રણ સદસ્યનો આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. આથી સાચી સ્થિતિ શું છે કે તેના પર અસમંજસ છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે સીએસકેના 10 જેટલા સપોર્ટ સ્ટાફના મેમ્બર ગત સિઝન જે યુએઇમાં રમાઇ હતી. ત્યારે ટૂર્નામેન્ટના પ્રારંભે કોરોનાની ઝપટે ચડી ગયા હતા. જેમાં સીઇઓ કાશી વિશ્વનાથનની પત્ની પણ સામેલ હતી. આઇપીએલ-2021ની શરૂઆત પહેલા જ ઘણા ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. કોલકાતા નાઈટ રાઇડર્સના નીતીશ રાણા, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના દેવદત્ત પડિક્કલ, દિલ્હી કેપિટલ્સના અક્ષર પટેલ, એનરિચ નોર્ખિયા અને ડેનિયલ સિમ્સને પણ સંક્રમિત થઈ ચૂક્યા છે. દેશમાં દિલ્હી સહિત 6 જગ્યાએ આઇપીએલ યોજાઇ રહી છે. આવી સ્થિતિમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાથી ખેલાડીઓમાં સંક્રમણ લાગવાનું જોખમ વધી જાય છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer