મમતા કાલે બનશે બંગાળનાં સીએમ

કોલકાતા, તા. 3 : ભાજપનાં આક્રમક પ્રચાર અભિયાનને સજ્જડ જવાબ આપીને સતત ત્રીજી વખત તૃણમૂલ કોંગ્રેસને સત્તા અપાવનારાં મમતા બેનરજી પાંચમી મેએ પશ્ચિમ બંગાળનાં ત્રીજી વખત મુખ્યમંત્રી બનશે. પ્રતિષ્ઠાના જંગ સમી નંદીગ્રામ બેઠક પર સુભેન્દુ અધિકારી સામે પાતળી સરસાઈથી હાર ખમવા છતાં મમતાને આજે ટીએમસીની બેઠકમાં સર્વસંમતિથી વિધાયક દળના નેતા પસંદ કરવામાં આવ્યા બાદ મમતાએ સાંજે રાજ્યપાલને મળીને નવી સરકાર રચવાનો દાવો કર્યો હતો. મમતાએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. દરમ્યાન, પશ્ચિમ બંગાળમાં એકસમયે જેની આણ વર્તાતી એ ડાબેરી પક્ષનો એકપણ ધારાસભ્ય બન્યો નથી. મમતાએ કહ્યું હતું કે, હું ડાબેરીઓનું શૂન્ય જોવા માગતી નહોતી. બંગાળમાં પ્રચંડ જીત બાદ રાષ્ટ્રીય સ્તરે પોતાનું કદ વધારનારાં મમતા બેનરજીને આજે ટીએમસીની બેઠકમાં સર્વસંમતિથી પોતાનાં નેતા પસંદ કરવામાં આવ્યાં હતાં. આ પછી સૂત્રોએ જણાવ્યું હતું કે પાંચમી મેના મમતા મુખ્યમંત્રી પદના સોગંદ લેશે, જ્યારે મંત્રીમંડળના અન્ય સભ્યોની શપથવિધિ છઠ્ઠી મેના યોજવામાં આવશે. મમતાએ જણાવ્યું હતું કે શપથગ્રહણ સમારોહ સાદાઈથી યોજવામાં આવશે. જ્યાં સુધી દેશ કોરોના સામેની લડાઈ જીતે નહીં ત્યાં સુધી અમે કોઈ પણ પ્રકારની ઉજવણી કરવાના નથી. સાંજે સાત વાગ્યે મમતા રાજ્યપાલને મળવા ગવર્નર હાઉસ પહોંચ્યાં હતાં અને રાજ્યમાં નવી સરકાર રચવાનો વિધિવત્ દાવો રજૂ કર્યો હતો. આ પહેલાં મમતાએ પત્રકાર પરિષદ યોજીને ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે યુવાઓ અને મહિલાઓને પક્ષની જીતના હિસ્સેદાર બતાવ્યા હતા. નંદીગ્રામમાં હારવા છતાં મમતા સીએમ બની શકે છે. બંધારણીય વ્યવસ્થા અનુસાર પોતાની બેઠક હારવા અને વિધાનસભાના સભ્ય ન હોય તો પણ તેઓ સીએમ બની શકે છે. સીએમ બન્યા પછી છ મહિનાની અંદર તેમને વિધાનસભાના સભ્ય બનવું પડશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer