રસી ખલાસ થતાં ભુજના કેન્દ્રો રહ્યા બંધ

રસી ખલાસ થતાં ભુજના કેન્દ્રો રહ્યા બંધ
ભુજ, તા. 3 : એક બાજુ કોરોનાએ ચારેકોર માથું ઊંચક્યું છે ત્યારે સરકાર મહામારી સામે રક્ષણ મેળવવા રસીકરણ કરાવવા ભાર મૂકે છે. આવા સમયે આજે કચ્છથી કોઈ કારણોસર રસીનો જથ્થો અમદાવાદ મોકલી દેવાતાં રસીકરણના અનેક મથકોએ રસી મુકાવવા ગયેલા લોકોને પાછા ફરવું પડયું હતું. રસીકરણમાં પણ હવે 18 વર્ષથી ઉપરવાળા અને 45 વર્ષથી વધુ વયવાળા એમ બે કેટેગરી બનાવી લેવાતાં કચ્છના લોકો મુંઝાઈ ગયા છે કે હવે રસી કયાં મુકાવવી. મળેલી માહિતી પ્રમાણે રસીનો જથ્થો ઓછો હોવાથી કેન્દ્ર અચાનક બંધ કરી દેવામાં આવ્યા છે. ભુજમાં આટલી મોટી જનરલ હોસ્પિટલ હોય કે અર્બન હેલ્થ સેન્ટર, ક.વી.ઓ. મહાજન, વ્યાયામશાળા, લાયબ્રેરી જેવા સ્થળોએ રસીકરણ ચાલુ હતું ને આજે અચાનક બંધ હોવાથી નાગરિકોને ધક્કા પડયા હતા. કયાંક ચાલુ છે ત્યાં 45 વર્ષથી વધુ ઉમરવાળા જાય છે તો તેઓને જવાબ આપવામાં આવે છે કે અહીં તો યુવાનો એટલે કે જેમણે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેવા 18 વર્ષથી વધુ વયવાળાને રસી આપવામાં આવે છે. રસી આપવામાં પણ સરળ માર્ગદર્શન નહીં હોવાથી કચ્છના નાગરિકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. જ્યાં રસીનો જથ્થો નથી ત્યાં એવું જાણવા મળ્યું કે કોવશિલ્ડ નથી કોવેક્સિન છે. હવે સામાન્ય જે ભણેલા નાગરિકો નથી એ તો માત્ર રસીમાં સમજે છે કોવીશિલ્ડ કે કોવેક્સિન સાથે તેઓને કોઈ મતલબ નથી. પરંતુ કોવિશિલ્ડનો મોટો જથ્થો આજે અમદાવાદ મોકલી દેવામાં આવ્યો હોવાથી અછત સર્જાઈ હોવાનું જાણવા મળ્યું હતુ. જે લોકોએ પહેલો ડોઝ લઈ લીધો હતો તેમને નવા નિયમ પ્રમાણે 45 દિવસ થઈ ગયા છતાં રસીના અભાવે પરત ફરવું પડયું હતું. ખરેખર સાચું શું છે એ જાણવા આરોગ્ય વિભાગના જિલ્લાના રસીકરણ અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે કયાંય જથ્થો ખુટયો નથી બાકી જ્યાં જરૂર હોય ત્યાં એક-બીજા જિલ્લામાં મોકલવામાં આવે છે. અમદાવાદને જરૂર હતી તો રસી મોકલાઈ છે. આજે રાત સુધીમાં કચ્છમાં કોવિશિલ્ડના નવા 10 હજાર વાયલ આવે છે. તેમ છતાં પણ કચ્છમાં 45 વર્ષથી વધુ વયવાળા માટે 3710 રસી છે જ્યારે 18 વર્ષથી વધુ ઉમરવાળા જેમણે રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેમના માટે 7670 રસીના વાયલ કચ્છ પાસે છે. પરંતુ બે પ્રકારની રસી હોવાથી જેમણે અગાઉ કોવેક્સિન લીધી હોય તેના માટે કોવેક્સિન આપવાની હોય છે, તે આપવામાં આવી હતી. બે કંપનીની રસી હોવાથી વારાફરતી આપવામાં આવે તો નાગરિકોને સરળતા રહે એ રીતે વ્યવસ્થાના ભાગરૂપે કરવામાં આવે છે. 45 વર્ષથી વધુ ઉમર ધરાવનારા લોકો માટે કચ્છમાં કોવેક્સિનના 3510 વાયલ હાજરમાં છે તેવું ડો. કન્નરે જણાવ્યું હતું. ખરેખર બે અલગ-અલગ કરવાને બદલે બન્ને ડોઝ સાથે રાખવામાં આવે તો જેમણે અગાઉ જે કંપનીની રસી લીધી હોય તેને મળી જાય. વિશેષમાં રસીકરણ અધિકારીએ જણાવ્યું કે અમે આખા કચ્છમાં ઝુંબેશ ચલાવીએ છીએ ને વધુમાં વધુ રસીકરણ થાય એ માટે જે તે સ્થળે લક્ષ્યાંક પણ આપવામાં આવે છ.ઁ બીજી બાજુ ડી.ડી.ઓ. ભવ્ય વર્માને પૂછતાં કચ્છનો જથ્થો અમદાવાદ ગયો છે ? તેમણે કહ્યું કે ખબર નથી તપાસ કરાવી લઉં અને અમુક કેન્દ્રો બંધ છે તેની પણ વિગતો તેમની પાસે હતી નહીં. જો કે મોડેથી રસીકરણ અધિકારી ડો. કન્નરે એક અખબારી યાદી બહાર પાડીને વિગતો આપી હતી કે 18થી 44 વર્ષના યુવાનો માટે રસીકરણ કાર્યક્રમ અંતર્ગત આજે 937 સાથે અત્યાર સુધીમાં 3768 યુવાનઓએ રસી લીધી છે. કોવિડ-19 સામેની લડાઈમાં રસીકરણ એ એક ખૂબ જ અગત્યનું અંગ છે. તેનો વિસ્તાર કરતાં રાજ્ય સરકાર દ્વારા કચ્છ જિલ્લાને પ્રાથમિકતા આપી 18થી 44 વર્ષની ઉમરની તમામ વ્યક્તિઓ માટેના રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. 10 સાઈટ પરના કોવિડ સેશન અંતર્ગત કુલ 937 લાભાર્થીઓએ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. આવતીકાલે તા. 4ના અગાઉથી ઓનલાઈન રજિસ્ટર થયેલા લાભાર્થીઓ માટે રસીકરણ કાર્યક્રમ કુકમા, મેઘપર (બો), ગાંધીધામ અર્બન સેન્ટર, આમરડી અને બેલા સહિત રતાડિયા, લાયજા મોટા, મંગવાણા, ડુમરા, માતાના મઢ તાલુકા વાર 10 સેશન સાઈટો પર ચાલુ રહેશે. સમગ્ર દિવસ દરમ્યાન એક સેશન સાઈટ પર 100ના ટાર્ગેટ મુજબ સમગ્ર કચ્છમાં 1000 જેટલા 18થી 44 વર્ષનાને કોવિડ વેક્સિનેશન અંતર્ગત આવરમાં આવશે. આ માટેના સેશન દરરોજ સાંજે 4 વાગ્યે તાલુકાદીઠ એક સેશન જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવશે. એ જગ્યાએ સવારે 9થી સાંજે 6ના સમય દરમ્યાન દર બે કલાકના સ્લોટમાં 25 લાભાર્થી કે જેઓએ અગાઉથી સોફટવેર મારફતે રજિસ્ટ્રેશન કરાવ્યા હશે અને સેશન જનરેટ થયે પોતાના સ્થળ અને સમય સાથેનો સ્લોટ પંસદ કર્યો હશે તે મુજબ તેઓને સેશન સાઈટની મુલાકાત લઈ રસી લેવાની રહેશે તેવું તેમણે જણાવ્યું હતું. ઓનલાઈન રજિસ્ટ્રેશન થયેલું હોય પરંતુ પોતાનો સ્લોટ બુક ન થયો હોય તો આ સેશન સાઈટની મુલાકાત પોતાના રસીકરણ માટે ન લેવા તેમજ હવે પછીના દિવસોમાં સેશન જનરેટ કરવામાં આવે ત્યારે પોતાનો સ્લોટ બુક કરાવવા અને પોતાને એપોઈન્ટમેન્ટ મળે ત્યારબાદ જ તે સ્થળે રસી લેવા જણાવવામાં આવે છે. સાથેસાથે હજુ સુધી જે યુવાનોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન ન કરાવેલું હોય તેઓ આ કાર્યક્રમમાં સહયોગ આપવા અને પોતાનું નામ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી પોતાનો સ્લોટ પસંદ કરવા તેમજ રસીકરણ બાદ પણ કોરોના અનુરૂપ અનુકરણ જેમ કે માસ્ક પહેરવું, વારંવાર હાથ ધોવા, સામાજિક અંતર રાખવું સરકારના નિયમોનું પાલન કરવું વગેરે ચાલુ રાખવા આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત-કચ્છ દ્વારા અપીલ કરવામાં આવી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer