લખપત તાલુકામાં 45 વર્ષથી વધુ વયના લોકોનું રસીકરણ બંધ : યુવાનોયે મૂંઝવણમાં

લખપત તાલુકામાં 45 વર્ષથી વધુ વયના  લોકોનું રસીકરણ બંધ : યુવાનોયે મૂંઝવણમાં
દયાપર (તા. લખપત), તા. 3 : છેવાડાના લખપત તાલુકામાં હવે 45 વર્ષની ઉપરના લોકો માટે રસીકરણ બંધ થતાં હજુ બાકી રહી ગયેલા લોકોને હવે રાહ જોવી પડશે, કારણ કે હાલ પૂરતું 45 વર્ષથી ઉપરના લોકો માટેનું રસી સેશન બંધ કરાયું છે. તો બીજીબાજુ 18 વર્ષથી ઉપરના યુવાનોને રસી આપવાનું ચાલુ કરી દેવાયું છે. હાલમાં તો હાઇવે પરના ગામો લેવાયાં છે જે સેશન ફુલ જાય છે પણ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને `ઓનલાઇન' રજિસ્ટ્રેશનની કોઇ ગત જ નથી તો રજિસ્ટ્રેશન કેવી રીતે થશે. નેટની સુવિધા પણ નહીંવત્ હોય છે અને અંગ્રેજી ન જાણતા લોકો મોબાઇલમાં રજિસ્ટ્રેશન કરી કેમ શકે? તે માટે ખરેખર આધારકાર્ડની સિસ્ટમ બરોબર જ હતી તેવું લોકો કહે છે. ગત વરસે કોરોનાના પ્રારંભ વખતે સ્વાધ્યાય પરિવાર દ્વારા આખાં ગામને સેનિટાઇઝ કરાવાયું હતું. એક વર્ષ બાદ હવે દયાપરમાં કેસ વધતાં વેપારી મહામંડળ અને ગ્રામ પંચાયતના સહયોગથી આજે પુન: ગામને સેનિટાઇઝ કરાવાયું હતું. સરપંચ ભવાનભાઇ પટેલ, વેપારી મહામંડળના પ્રમુખ વિશ્વનાથ જોશી, અનિલભાઇ સોની, જિતેન્દ્રભાઇ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. વસંતભાઇ મૈયાતએ પોતાનાં ટ્રેક્ટર, પમ્પની સુવિધા નિ:શુલ્ક આપી હતી. જયંતીભાઇ લીંબાણીએ પણ ટ્રેક્ટરની સુવિધા માટે તત્પરતા બતાવી હતી. બીજીબાજુ ભુજ ખારી નદી સ્મશાનગૃહ માટે યુવાનો લાકડાંનો બંદોબસ્ત કરી રહ્યા છે, ત્યારે અહીં દયાપરમાં પણ યુવાનો જંગલમાંથી ટ્રેક્ટર દ્વારા લાકડાંનો જથ્થો લઇ આવી આજે કટિંગનું કામ હાથ ધર્યું હતું. હજુ વધુ લાકડાંનો જથ્થો એકત્રિત કરવા આવતીકાલે પણ યુવાનો બે-ત્રણ ટ્રેક્ટર લઇ જંગલમાં ફરી વળશે. ધોમધખતા તાપમાં આ યુવાનો શ્રમયજ્ઞ કરી રહ્યા છે જે પ્રશંસાને પાત્ર છે. પાટીદાર સમાજવાડીમાં આ લાકડાંના જથ્થાને એકત્રિત કરવામાં આવ્યો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer