બીજી લહેરથી અનેક સરકારી કચેરી કોરોનાગ્રસ્ત

બીજી લહેરથી અનેક સરકારી કચેરી કોરોનાગ્રસ્ત
ભુજ, તા. 3 : કોરોનાની બીજી લહેર અત્યંત ગંભીર હોવાથી ખાસ કરીને તેની અસર હવે સરકારી વિભાગ કે કચેરીઓ ઉપર થવા માંડી છે. અનેક ઓફિસોના કર્મચારી-અધિકારીઓ સંક્રમિત થઇ જતાં ક્યાંક ઓફિસો બંધ કરવી પડી છે અથવા તો સ્ટાફ અડધો કરવાની ફરજ પડી છે. આમેય સરકાર દ્વારા સરકારી ઓફિસો કે ખાનગી કચેરીઓમાં 50 ટકા સ્ટાફથી કામ ચલાવવાની અને બાકીનાને ઘેર બેસીને મોબાઇલ કે કોમ્પ્યુટરના માધ્યમથી ફરજ નિભાવવાની સૂચના મળી હોવાથી કચ્છમાં તેની અસર જોવા મળી છે. પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે સૌથી વધુ અરજદારો તો દૈનિક કામકાજ હોય છે તેવી કલેક્ટર કચેરી કે જિલ્લા પંચાયત ભવનમાં બિનજરૂરી કામ અર્થે આવનારા પર પ્રવેશબંધી કરી દેવામાં આવી છે. જિલ્લા પંચાયત ભવનમાં અંદાજે 350થી વધારે કર્મચારી-અધિકારીઓ છે તેમાંથી હવે રોજ અડધાને આવવું, બીજા દિવસે અડધા આવે તેવું નક્કી થયું હોવાથી હવે 50 ટકા કર્મચારીઓથી કામ લેવામાં આવે છે તેમાં પણ આ જિલ્લા પંચાયત તંત્રમાં કેટલાક કર્મચારીઓ કોરોના પોઝિટિવ થયા હોવાથી તકેદારીનાં પગલાં ભરવામાં આવ્યા છે. કલેક્ટર કચેરીમાં દરરોજ અરજદારોની મોટી આવન-જાવન રહે છે. અહીં પણ અધિકારી અને કર્મચારી અને તેમના ઘરના સભ્યો સંક્રમિત હોવાનું જાણવા મળતાં અનેક ખુરશીઓ ખાલી જોવા મળે છે. મામલતદાર કચેરી અને જનસેવા કેન્દ્રમાં પણ આ પ્રકારના વધુ પડતા લોકો પર રોક લગાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ભુજની નગરપાલિકા કચેરીમાં કામ અડધા દિવસે પૂર્ણ કરી દેવામાં આવે છે અને અડધો દિવસ કચેરી બંધ રાખવામાં આવે છે. એસ.ટી. તંત્રમાંથી મળેલી માહિતી પ્રમાણે એસ.ટી.ના વહીવટી સ્ટાફને રોજ અડધા જણ આવે તેવી સૂચના અપાઇ હોવાથી એકાંતરે 50-50 ટકા સ્ટાફને બોલાવવામાં આવે છે. આ વિભાગમાં પણ ઘેર બેઠેલા પાસેથી ઓનલાઇન કામ લેવામાં આવે છે. પી.જી.વી.સી.એલ. તંત્રમાંથી મળેલી વિગતો પ્રમાણે ભુજની વડી કચેરીમાં 20 જણ સંક્રમિત થયા હોવાથી મુખ્ય દરવાજા જ બંધ કરી દેવામાં આવ્યા છે અને કામ અર્થે આવતા અરજદારોના ક્રીનિંગ કર્યા પછી જ પ્રવેશ આપવામાં આવે છે. ગ્રામીણ બેંકની મુખ્ય કચેરીમાં છ જણ કોરોનાગ્રસ્ત બન્યા હોવાથી એકાદ-બે જણ સિવાય મોટાભાગે આ બેંકિંગ કચેરી બંધ જેવી જ છે. અનેક બેંકની શાખાઓમાં દૈનિક અરજદારોના મોટા ધસારાના કારણે બેંક કર્મચારીઓ પોઝિટિવ આવતા હોવાથી બેંક સેવાને મોટી અસર પહોંચી છે. ક્યાંક તો કામ અર્થે આવવું નહીં તેવું જણાવવામાં આવ્યું છે. શહેરોમાં નહીં, બેંક કર્મચારીઓ ગ્રામ્ય વિસ્તારમાં પણ બીમારીમાં સપડાયા હોવાનું માલૂમ પડયું છે. આરટીઓ 50 ટકા સ્ટાફ સાથે કામ કરશે જ્યાં લોકોની મોટી સંખ્યામાં અવરજવર છે તેવી આર.ટી.ઓ. કચેરીમાં પણ કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરી કામકાજ જારી રાખવાનો નિર્ણય લેવાયો છે. કર્મચારીઓની સંખ્યા 50 ટકા ઘટાડીને તે રીતે તેમને બોલાવવા વિવિધ શાખાના વડાઓને નિર્દેશ આપવામાં આવ્યો છે. જો કે, ભુજ આરટીઓમાં પહેલેથી સ્ટાફ ઘટ છે ત્યારે જે કર્મચારી છે તેનાથી પણ અડધી સંખ્યામાં કામ પર બોલાવવાના નિર્ણયથી કચેરીમાં લોકોની હાલાકી વધે તેવી પણ ચર્ચા જાગી છે. દરમ્યાન, આરટીઓનો લાયસન્સ ટ્રેક બંધ રાખવા કોઇ સૂચના આવી ન હોવાનું જાણવા મળ્યું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer